Surat Rain News: સુરત જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. શહેરમાં વહેલી સવારથી જ અનેક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે તો બીજી તરફ સુરત જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી તો બીજી તરફ ધરતીપુત્રોમાં ખુશીની લહેર જોવા મળી છે.
સુરત જિલ્લામાં ચોમાસું સક્રિય થયું હોય તેમ લાગી રહ્યું છે. શહેર અને જિલ્લામાં છેલ્લા બે-ત્રણ દિવસથી વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો હતો પરંતુ ગત મોડી સાંજથી જ સુરત જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે જ્યારે આજે વહેલી સવારથી જ સુરત શહેરમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે.
સુરત શહેરમાં વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદી માહોલ સર્જાયો છે. વરસાદના કારણે સ્કુલ-કોલેજ જતા તેમજ નોકરી ધંધે જતા લોકોને રેઈનકોટ તેમજ છત્રી લઈને જવાની ફરજ પડી હતી. મોડી રાતથી જ શહેરમાં મેઘરાજાનું આગમન થઇ જતા અને વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી જેને લઈને લોકોને ગરમીથી રાહત મળી હતી.
બીજી તરફ સુરત જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. ગત બપોરથી જ સુરત જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ચોમાસું સક્રિય થયું હોય તેમ વરસાદી માહોલ જોવા મળ્યો છે. આજે વહેલી સવારથી જ સુરત જિલ્લાના બારડોલી, કામરેજ, પલસાણા, મહુવા, માંગરોળ પંથકમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. સુરત જિલ્લામાં વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. બીજી તરફ વરસાદના કારણે ધરતીપુત્રોમાં ખુશીની લહેર જોવા મળી છે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
