Surat News: દિવાળી અને છઠપૂજાના તહેવારો વતન જઈને પરિવાર સાથે ઉજવવા માટે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વસતા ઉત્તર ભારતીયોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તહેવારો દરમિયાન મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને સુરત અને ઉધના રેલવે સ્ટેશન પરથી ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડ તરફ નિયમિત ટ્રેનો ઉપરાંત વિશેષ ટ્રેનોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. રેલવે દ્વારા કરવામાં આવેલી આ વ્યવસ્થાના પરિણામે માત્ર 10 દિવસમાં અંદાજે 1.85 લાખ મુસાફરો સુરક્ષિત રીતે પોતાના વતન પહોંચ્યા છે.
મળતી માહિતી મુજબ, 29 ઓક્ટોબર 2026થી 7 નવેમ્બર 2026ના રોજ બપોરે 13:00 વાગ્યા સુધીના સમયગાળામાં કુલ 28 નિયમિત અને 33 ઉત્સવ સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવી હતી. આ ટ્રેનોના માધ્યમથી કુલ 1,85,763 મુસાફરોએ પોતાના વતન તરફની મુસાફરી કરી હતી. દિવાળી અને છઠપૂજાના પર્વને લઈને ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ જતા મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. સુરત અને ઉધના રેલવે સ્ટેશન પર પ્રવાસીઓની ભારે ભીડને વ્યવસ્થિત રીતે નિયંત્રિત કરવા માટે રેલવે તંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. મુસાફરોની સુરક્ષા અને વ્યવસ્થા જાળવવા રેલવે પ્રશાસન સાથે રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) અને ગવર્મેન્ટ રેલવે પોલીસ (GRP)ના જવાનોને પણ તૈનાત કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો

સ્ટેશનો પર ભીડનું યોગ્ય સંચાલન થાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ ઉપરાંત મુસાફરોને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે ખાસ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમના માધ્યમથી સતત સૂચનાઓ અને જરૂરી માહિતી આપવામાં આવી રહી છે.મુસાફરોની અવરજવરને ધ્યાનમાં રાખીને 6 નવેમ્બરના રોજ સુરત રેલવે સ્ટેશન પરથી સૌથી વધુ સાત સ્પેશિયલ ટ્રેનોનું સંચાલન કરવામાં આવ્યું હતું. આ એક જ દિવસમાં 37,698 મુસાફરોએ ટ્રેન મારફતે મુસાફરી કરી હતી.
રેલવેના અધિકારીઓના જણાવ્યા અનુસાર, તહેવારો દરમિયાન મુસાફરોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો હોવાથી આગામી દિવસોમાં પણ જરૂરિયાત પ્રમાણે સ્પેશિયલ ટ્રેનોના વધુ ફેરા દોડાવવાનું આયોજન કરવામાં આવશે. ઉત્તર ભારત તરફ વતન જઈ રહેલા મુસાફરોને સરળ, સલામત અને સુવિધાજનક મુસાફરી મળી રહે તે માટે રેલવે તંત્ર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
કઈ તારીખે કેટલી ટ્રેનો રવાના થઇ
| તારીખ | રેગ્યુલર | સ્પેશિયલ ટ્રેન | મુસાફરો |
| 29-10-2026 | 2 | 1 | 8113 |
| 30-10-2026 | 3 | 4 | 10396 |
| 31-10-2026 | 3 | 2 | 20221 |
| 01-11-2026 | 3 | 4 | 21791 |
| 02-11-2026 | 2 | 1 | 14436 |
| 03-11-2026 | 5 | 2 | 18854 |
| 04-11-2026 | 2 | 3 | 19440 |
| 05-11-2026 | 2 | 3 | 19697 |
| 06-11-2026 | 3 | 7 | 37698 |
| 07-11-2026 | 3 | 6 | 15100 |
