Festive Rush at Surat Railway Station: ઔઘોગિક શહેર સુરતમાં દેશના અનેક રાજ્યોમાંથી લોકો રોજગાર અર્થે વસે છે અને આગામી સમયમાં દિવાળી અને છઠ્ઠપૂજાનો તહેવાર આવી રહ્યો હોય લોકો પોતાના માદરે વતન જવા રવાના થઇ રહ્યા છે. દર વર્ષે સુરત કમાણી અર્થે આવેલા શ્રમિકો તહેવાર મનાવવા માટે વતન જતા હોય છે અને રેલવે સ્ટેશન પર બહોળી સંખ્યામાં ભીડ જોવા મળતી હોય છે. આ વખતે પણ ચાર-પાંચ દિવસ પૂર્વે એવો નજારો રેલવે સ્ટેશને જોવા મળ્યો હતો. જોકે હાલ મુસાફરોનો ધસારો ઘટ્યો છે પરંતુ આગામી દિવસોમાં વતન જનારા મુસાફરોની સંખ્યા વધી શકે છે. જેને પગલે મુસાફરો સુરક્ષિત, સરળ અને કોઈપણ અગવડ વિના મુસાફરી કરી શકે તે માટે વહીવટી તંત્ર, પોલીસ અને રેલવે વિભાગ દ્વારા સંયુક્ત રીતે તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.
સુરત શહેરમાં દેશના અનેક રાજ્યોમાંથી લોકો રોજગાર અર્થે વસે છે અને આગામી સમયમાં દુર્ગાપૂજા, દિવાળી, છઠપૂજા સહિતના તહેવારો આવી રહ્યા છે ત્યારે અત્યારથી સુરતમાંથી લોકો પોતાના માદરે વતન જઈ રહ્યા છે. સુરતના રેલ્વે સ્ટેશનો પર લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. બીજી તરફ સ્ટેશન પર મુસાફરોની ભીડ દરમ્યાન કોઈ અફરાતફરી ન સર્જાઈ તે માટે રેલવે પ્રશાસન અને સ્થાનિક તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગયું છે.
ઉધના રેલવે સ્ટેશને મુસાફરોનો ધસારો
તહેવારોને કારણે મોટી સંખ્યામાં લોકો અત્યારથી જ વતન તરફ રવાના થઈ રહ્યા હોવાથી ઉધના રેલવે સ્ટેશને મુસાફરોનો ધસારો જોવા મળી રહ્યો છે અને સ્ટેશન પરિસરમાં લાંબી લાઈનો લાગી છે. આ સ્થિતિ વચ્ચે તમામ મુસાફરો સુરક્ષિત, સરળ અને કોઈપણ અગવડ વિના મુસાફરી કરી શકે તે માટે વહીવટી તંત્ર, પોલીસ અને રેલવે વિભાગ દ્વારા સંયુક્ત રીતે તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.
ભીડ ન જામે તે માટે માઈક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું
તહેવારોની ભીડને કાબૂમાં રાખવા અને સ્ટેશન પરિસરમાં કાયદો-વ્યવસ્થા જાળવવા માટે એક ઉચ્ચ સ્તરીય સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરત જિલ્લા કલેક્ટર, ડીસીપી, એસડીએમ, જીઆરપીના ડીવાયએસપી, સીટકોના સીઈઓ, સુરત સ્ટેશન ડાયરેક્ટર તેમજ સંબંધિત બ્રાન્ચ સુપરવાઈઝર્સ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં પ્લેટફોર્મ, વેઇટિંગ એરિયા અને સર્ક્યુલેટિંગ એરિયામાં વધારાની ભીડ ન જામે તે માટે માઈક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું હતું.
પોલીસ અને આરપીએફ-જીઆરપીના જવાનોને તૈનાત રાખવાનો નિર્ણય
આ ઉપરાંત મુસાફરોનું વ્યવસ્થિત આવાગમન જળવાઈ રહે અને સ્ટેશનના સંવેદનશીલ તથા વધુ ભીડભાડવાળા પોઈન્ટ્સ પર પૂરતી સંખ્યામાં પોલીસ અને આરપીએફ-જીઆરપીના જવાનોને તૈનાત રાખવાનો નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત, કંટ્રોલ રૂમ દ્વારા સીસીટીવી કેમેરાની મદદથી ચોવીસ કલાક સતત મોનિટરિંગ કરવામાં આવશે, જેથી કોઈપણ કટોકટી કે ઈમરજન્સીની પરિસ્થિતિમાં તાત્કાલિક ધોરણે પગલાં ભરી શકાય. મુસાફરો માટે પીવાનું પાણી, પંખા અને અન્ય પ્રાથમિક સુવિધાઓની ઉપલબ્ધતાની પણ ખાતરી કરવામાં આવી હતી.
શ્રમિકો નારાજ હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું
ઉલ્લેખનીય છેકે, રેલવે સ્ટેશન પર મોટી સંખ્યામાં શ્રમિકોની ભીડને પગલે તેઓ કામના ભારણથી અને યોગ્ય મહેનતાણુ ન મળતું હોવાથી શ્રમિકો નારાજ હોવાની અને વતન જઇ રહ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. તાજેતરમાં કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજ સિંહ સુરતની મુલાકાતે આવ્યા હતા. જે દરમિયાન ટેક્સટાઇલ ઉદ્યોગમાં શ્રમિકોને કાયદા મુજબ સાપ્તાહિક રજા ન મળવા, રજા માંગવા પર નોકરીમાંથી કાઢી મુકવા અને 12-12 કલાકની ડ્યુટી અંગેના પ્રશ્ન પર ગિરિરાજ સિંહે કહ્યું કે, અમે કોમ્યુનિસ્ટોની જેમ મિલ અને મજૂરોના સંબંધોના વિરોધી નથી. મિલ માલિક અને મજૂર બંને એક જ સિક્કાની બે બાજુઓ છે. મિલ મજૂરને પોતાનો પરિવાર માને અને મજૂર પોતાના મિલ માલિકને પરિવાર માને, આ જ સંબંધ સૌથી સારો ચાલશે. અને હું આગળ વાત કરીશ ત્યારે હું આ બધા પ્રશ્નોનો જવાબ આપી શકીશ.
ઉલ્લેખનીય છેકે સુરતમાં ઉત્તરભારતના રાજ્યોમાંથી મોટી સંખ્યામાં મજૂરો કામ કરે છે. દરેક મોટા તહેવારમાં તેઓ વતન જાય છે. તેમના વતન જવા સમયે રેલવે સ્ટેશન પર મોટી ભીડ જોવા મળે છે. રેલવે તંત્ર અને પોલીસ સાથે મળીને આ ભીડમાં અફરા તફરી ન થાય તે માટે આયોજનો પણ કરવામાં આવે છે.
