Surat: શેર માર્કેટમાં મોટા નફાની લાલચ આપી ઠગાઈ કરતા 5 લોકોની ધરપકડ, સુરત પોલીસે ઈન્દોરમાં જઈ પાર પાડ્યું ઓપરેશન

Surat: સુરત સાયબર ક્રાઈમ સેલે શેર માર્કેટમાં મોટા નફાની લાલચ આપી છેતરપીંડી આચરતા ઇન્દોરના ગેરકાયદેસર કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યો છે. પોલીસે નકલી એપ્લિકેશન દ્વારા છેતરપીંડી કરતા પાંચ આરોપીઓની ધરપકડ કરી છે.

By: Nilesh JethvaEdited By:Nilesh JethvaPublish Date: Mon, 23 Nov 2026 03:26 PM (IST)Updated: Mon, 23 Nov 2026 03:26 PM (IST)
surat-police-raided-an-illegal-call-center-and-arrested-five-people
5 લોકોની ધરપકડ

Surat News: સુરતમાં શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી સારો એવો નફો મળશે તેવી વાતચીત કરી 14.47 લાખની છેતરપીંડી આચરવાના ગુનામાં સુરત સાયબર ક્રાઈમ સેલની ટીમને મોટી સફળતા મળી છે. પોલીસની તપાસ દરમ્યાન ઇન્દોર ખાતે ચાલતા ગેરકાયદેસર કોલ સેન્ટરનો પર્દાફાશ થયો છે. આ ઘટનામાં પોલીસે 5 આરોપીઓને ઝડપી પાડ્યા છે.

14,47,007 રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા

મળતી માહિતી મુજબ, સુરતના એક ફરિયાદીને વોટ્સએપ ઉપર મેસેજ કરી ખોટી ઓળખાણ આપી શેર ટ્રેડીંગ કરવાથી વધુ નફો કરાવી આપવાની લાલચ આપવામાં આવી હતી અને તેઓને વેલ્થ ટ્રેડીંગ નામની બનાવટી એપીકે ફાઈલ મોકલી એપ્લીકેશન ડાઉનલોડ કરાવી ડીમેટ એકાઉન્ટ ક્રીએટ કરાવવામાં આવ્યું હતું અને ટ્રેડીંગ માટે તેઓને વોટ્સએપ મારફતે અલગ અલગ બેંક એકાઉન્ટોની વિગત મોકલી ફરીયાદી પાસેથી 14,47,007 રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા અને તેઓના ડીમેટ એકાઉન્ટમાં ટ્રેડીંગ કરતા નુકશાન થયા હોવાનું જણાવી રૂપિયા પરત ન આપી છેતરપીંડી આચરવામાં આવી હતી. આ સમગ્ર મામલે સુરત સાયબર ક્રાઈમ સેલમાં ફરિયાદ નોંધાઈ હતી.

ઇન્દોરમાં ચાલતું હતું કોલ સેન્ટર

આ મામલે સુરત ક્રાઈમ સેલની ટીમે તપાસ હાથ ધરી હતી અને મધ્યપ્રદેશ ઇન્દોર ખાતે ત્રણથી ચાર દિવસ સુધી તપાસ કરી ઇન્દોર ખાતે શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટના નામે છેતરપીંડી આચરતા કોલ સેન્ટરમાં રેડ કરવામાં આવી હતી. પોલીસની રેડ દરમ્યાન સામે આવ્યું હતું કે 18 ટેલી કોલર્સ ત્યાં કામ કરતા હતા અને તેઓ અલગ અલગ લોકોને ટાર્ગેટ બનાવી શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી સારો એવો નફો મળશે તેમ જણાવી છેતરપીંડી આચરતા હતા.

5 લોકોની ધરપકડ

આ ઘટનામાં પોલીસે હેમંત બુધ્ધરાવ સોનારે [ઉ.28], ધર્મેન્દ્ર ઉર્ફે ડીકે જુગલ કિશોર રાય [ઉ.25], સુધાષુ સુરેન્દ્રભાઈ ગીતે [ઉ.26] પ્રવીણ ઉર્ફે પ્રિયાંશુ રામસ્વરૂપ રાય [ઉ.25] અને યશ કમલભાઈ કુમાવત [ઉ.27] ને ઝડપી પાડ્યા છે. પકડાયેલા પાંચેય લોકો ટેલીકોલર તરીકે નોકરી કરતા હતા. પોલીસે તેઓના 4 દિવસના કસ્ટડી રિમાન્ડ મેળવ્યા છે. જયારે મુખ્ય હેન્ડલર્સને પકડવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે.

શેર માર્કેટમાં મોટા નફાની લાલચ આપતા

પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓએ લોકોને શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી સારો એવો પ્રોફિટ થશે તેવું જણાવી સૌ પ્રથમ GROWW તથા ANGEL ONE માં ડીમેટ એકાઉન્ટ ઓપન કરાવતા હતા અને તેમાં ઇન્વેસ્ટ કરાવી પ્રોફીટ કરાવડાવી GROWW તથા ANGEL ONE માં વધુ ચાર્જીસ લાગતા હોવાનું જણાવી પોતાની WEALTH TRADEની એપ્લીકેશનમાં ડીમેટ એકાઉન્ટ ઓપન કરવાથી ઓછા ચાર્જીસ લાગશે અને સારો એવો પ્રોફિટ જણાવી WEALTH TRADE ની બનાવટી એપીકે ફાઈલની લીંક મોકલી તેમાં ડીમેટ એકાઉન્ટ ઓપન કરાવતા હતા અને તેમાં ઇન્વેસ્ટ કરવા માટે અલગ અલગ બેંક એકાઉન્ટોમાં રૂપિયા ટ્રાન્સફર કરાવી લોકો સાથે છેતરપીંડી આચરતા હોવાનું જણાય આવ્યું છે.

18 ટેલી કોલર્સ કામ પર રાખેલા હતા

વધુમાં કોલ સેન્ટરમાં આશરે 18 ટેલી કોલર્સ કામ પર રાખેલા હોવાનું જણાય આવ્યું છે તેમજ શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા ઈચ્છા ધરાવતા લોકોનો ડેટા મેળવી તેઓને ફોન કરી ઇન્વેસ્ટમેન્ટ કરવાના નામે છેતરપીંડી આચરે છે. આ કોલ સેન્ટર છેલ્લા 1 વર્ષથી ચાલતું હોવાનું પોલીસને તપાસ દરમ્યાન જણાય આવ્યું છે અને કોલ સેન્ટરમાંથી ભારતના અલગ અલગ રાજ્યોના કુલ 3079 કસ્ટમરોના ડેટા મળી આવ્યા છે.

કોલ સેન્ટરમાંથી 19 મોબાઈલ ફોન જપ્ત

પોલીસે રેડ દરમ્યાન કોલ સેન્ટરમાંથી 19 મોબાઈલ ફોન તેમજ આરોપીઓ પાસેથી 5 મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. વધુમાં ગુનામાં ઉપયોગ થયેલા 12 એકાઉન્ટમાં 8,22,00,969 રૂપિયાના ટ્રાન્જેકશનો થયેલા હોવાનું જણાય આવ્યું છે. આ બેંક એકાઉન્ટો આધારે નેશનલ સાયબર ક્રાઈમ રીપોર્ટીંગ પોટલ ઉપર ચેક કરતા ઉતરપ્રદેશમાં 3, પશ્વિમ બંગાળમાં 1, બિહારમાં 1, મહારાષ્ટ્રમાં 1, આંધપ્રદેશમાં 1 મળી કુલ 7 ફરિયાદો થઇ હોવાનું જણાય આવ્યું છે. જેમાં અલગ અલગ ફરીયાદી સાથે આશરે 1 કરોડની ઓનલાઈન છેતરપીંડી થઇ હોવાનું જણાય આવ્યું છે.