Surat News:આગામી સમયમાં ગણેશ વિસર્જન પર્વ શાંતિપૂર્ણ, સલામત અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન કરવા સુરત શહેર પોલીસ દ્વારા વ્યાપક બંદોબસ્ત અને સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ અંગે સુરત શહેર પોલીસ કમિશ્નર વાબાંગ જામીરે પ્રેસ કોન્ફરન્સ દ્વારા વિગતવાર માહિતી આપી હતી.
પોલીસ કમિશ્નરએ જણાવ્યું હતું કે, સુરત શહેરમાં અંદાજે ૯૦ હજાર જેટલી નાની-મોટી ગણેશ મૂર્તિઓનું ૨૧ કૃત્રિમ તળાવો અને ૩ કુદરતી ઓવારા ખાતે વિસર્જન કરવામાં આવશે. સમગ્ર વિસર્જન પ્રક્રિયા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ૫૦૫ અધિકારીઓ, ૫,૮૦૦ પોલીસ જવાનો, ૪૦૦૦ હોમગાર્ડ, ૧૧ SRP કંપની, ૧૪૬૯ TRB જવાનો તેમજ RAFના ૦૨, CISFના ૦૧ અને BSFના ૦૧ જવાનો સહિત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યા છે. વિસર્જન રૂટ અને સ્થળોની દેખરેખ માટે ૨૦ ડ્રોન કેમેરા, ૧૨૫ વીડિયો કેમેરા, ૯૦૦ બોડીવોર્ન કેમેરા, ૧૫૦ AI કેમેરા અને ૩૦૦૦ CCTV કેમેરાની વ્યવસ્થા કરવામાં આવી છે. સમગ્ર મોનીટરીંગ પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા કરવામાં આવશે.
શહેરમાં શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે તે માટે QRTની ૦૭, SOGની ૧૦ અને DCPની ૧૫ વિશેષ ટીમો પણ કાર્યરત રહેશે. ઉપરાંત ૩૨૬ પેટ્રોલિંગ વાહનો, ૫૩૦ પેટ્રોલિંગ બાઈક સહિત કુલ ૧૮૦૦ શોલ્ડર લાઈટ સાથે પેટ્રોલીંગ કરવામાં આવશે. સમગ્ર રૂટ પર આવતા નિર્જન પોઈન્ટ ઉપર ૧૦ વોચ ટાવર, ૩૨ આસ્કા લાઈટ, ૦૪ ઘોડેસવાર દળ અને ૧૬ ક્રેઈન સહિતની વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
ટ્રાફિક વ્યવસ્થાને સુચારૂ રાખવા માટે શહેરના વિવિધ વિસ્તારોમાં જરૂરી માર્ગ પરિવર્તન કરવામાં આવશે. નાગરિકોને અગાઉથી જાણકારી મળી રહે તે માટે ટ્રાફિક અંગેની વિગતો અલગથી જાહેર કરવામાં આવશે. મોટા ગણપતિ વાહનો પર GPS સિસ્ટમ લગાવવામાં આવશે તેમજ કુદરતી ઓવારા ખાતે બોટ અને બચાવ દળની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે.
ગણેશ મહોત્સવ દરમિયાન સુરત મહાનગરપાલિકા, વીજ કંપનીઓ, વિવિધ સરકારી એજન્સીઓ તથા અન્ય સંબંધિત વિભાગો સાથે સંકલન બેઠક યોજી જરૂરી આયોજન પૂર્ણ કરવામાં આવ્યું છે. સંવેદનશીલ વિસ્તારોમાં રૂટ માર્ચ, વાહન ચેકિંગ અને શાંતિ સમિતિની બેઠકો પણ યોજવામાં આવી છે સુરત પોલીસ કમિશ્નરે નાગરિકોને વિસર્જન દરમિયાન ટ્રાફિક નિયમોનું પાલન કરવા, પોલીસને સહકાર આપવા તથા પર્યાવરણમૈત્રી ગણેશ વિસર્જન માટે જાગૃત રહેવા અપીલ કરી હતી.
