surat News: સુરત શહેરમાં દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને પોલીસ એક્શન મોડમાં આવી છે. તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેમજ નાગરિકો શાંતિપૂર્ણ માહોલમાં દિવાળીની ઉજવણી કરી શકે, તે માટે રાંદેર પોલીસ દ્વારા વિશેષ સુરક્ષા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
રાંદેર પોલીસે ટીમો બનાવી ફૂટ પેટ્રોલિંગ કર્યું
આગામી સમયમાં દિવાળીનો તહેવાર આવી રહ્યો છે. ત્યારે શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરત પોલીસ એલર્ટ મોડમાં છે. સુરતમાં પોલીસ દ્વારા સઘન ફૂટ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગની કામગીરી કરવામાં આવી રહી છે. આ અભિયાન અંતર્ગત રાંદેર પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.
જવેલર્સ માલિકો સાથે પોલીસે ચર્ચા કરી
તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વાહન ચેકિંગની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી. પોલીસ દ્વારા ખાસ કરીને જ્વેલરીની દુકાનોને સુરક્ષાના દૃષ્ટિકોણથી આવરી લેવામાં આવી હતી. પોલીસ અધિકારીઓએ જ્વેલર્સના દુકાનદારો સાથે વન-ટુ-વન ચર્ચા કરી સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી.
સીસીટીવી અને સુરક્ષાની સમીક્ષા કરી
આ દરમિયાન દુકાનોમાં સીસીટીવી કેમેરા,સુરક્ષા ગાર્ડને લઈને સઘન તપાસ કરવામાં આવી હતી. દિવાળીના તહેવારો દરમિયાન બજારોમાં લોકોની અવરજવર અને ભીડ વધતી હોવાથી પીક અવર્સ દરમિયાન વિશેષ સાવચેતી રાખવા વેપારીઓને સૂચના આપવામાં આવી હતી. કોઈપણ શંકાસ્પદ વ્યક્તિ કે ગતિવિધિ નજરે પડે તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા પણ માર્ગદર્શન અપાયું હતું.
દિવાળીના તહેવાર દરમિયાન શહેરમાં સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત જળવાઈ રહે અને નાગરિકો ભયમુક્ત વાતાવરણમાં તહેવારોની ઉજવણી કરી શકે તે હેતુથી રાંદેર પોલીસ દ્વારા પેટ્રોલિંગ, વાહન ચેકિંગ અને વેપારીઓ સાથે સંકલનની કામગીરી તેજ બનાવવામાં આવી છે.
