સુરત: સરદાર બ્રિજ પર યુવકે તાપી નદીમાં લગાવી મોતની છલાંગ, ફાયર બ્રિગેડનું સર્ચ ઓપરેશન

સુરતના સરદાર બ્રિજ પર બાઇક અને ચપ્પલ મૂકીને 36 વર્ષીય યુવકે તાપી નદીમાં છલાંગ લગાવી હોવાની ઘટના સામે આવી છે. ફાયર બ્રિગેડની ટીમે બોટથી શોધખોળ શરૂ કરી છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Thu, 05 Nov 2026 10:56 AM (IST)Updated: Thu, 05 Nov 2026 10:56 AM (IST)
surat-sardar-bridge-youth-jumped-into-tapi-river-fire-brigade-search-operation

Surat News: સુરતમાં તાપી નદીમાં એક યુવકે કૂદી જઈને આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ચોંકાવનારી અને કરુણ ઘટના સામે આવી છે. સરદાર બ્રિજ પર રાત્રિના સમયે એક યુવક પોતાની બાઈક લઇને બ્રિજ પર આવ્યો હતો. બ્રિજની પાસે તે પોતાની બાઇક અને ચપ્પલ ઉતારીને તાપી નદીમાં જીવલેણ મોતની છલાંગ લગાવી દીધી હતી. જ્યારે આ નજારો લોકોએ જોયો તો ભારે અફરાતફરી સર્જાઈ હતી. બ્રિજ પર હાજર લોકોએ આ અંગે પોલીસ અને ફાયર વિભાગને ત્વરિતપણે જાણ કરી હતી.

યુવકનો પતો લાગ્યો નથી

મળતી માહિતી મુજબ, તાપી નદીમાં કૂદનારા યુવકની ઓળખ મજુરા ગેટ સ્થિત કૈલાશનગર મંત્ર રેસિડેન્સીના રહેવાસી જય શાહ (36 વર્ષ) તરીકે થઈ છે. ગત 4 નવેમ્બરના રોજ જય શાહ પોતાની બાઈક લઇને સરદાર બ્રિજ પાસે આવ્યો હતો. કોઇ અગમ્ય કારણોસર યુવકે પોતાના ચપ્પલ બ્રિજ પાસે ઉતાર્યા હતા. અને નદીના ધસમસતા પ્રવાહમાં ઝંપલાવ્યું હતું. ત્યાં અવરજવર કરી રહેલા લોકોએ ફાયર વિભાગને કોલ કર્યો હતો.

ફાયર વિભાગની સઘન શોધખોળ

ઘટનાની જાણ થતાં સુરત મનપાની ફાયર વિભાગની ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર ટીમે નદીમાં બોટ વડે યુવકને શોધવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ યુવકનો કોઇ પતો લાગ્યો નહીં. બીજી તરફ અડાજણ પોલીસની ટીમ પણ ઘટના સ્થળે આવી ગઈ હતી.

પોલીસે યુવકનું બાઇક કબજે કરીને કાર્યવાહી શરુ કરી છે. જ્યારે યુવકે કેમ આવું અગમ્ય પગલું લીધું તે અંગે રહસ્ય અકબંધ છે. શું તેની પાછળ કોઈ માનસિક કે આર્થિક પરિબળો હોઈ શકે છે. તે સમગ્ર મામલે પોલીસે તપાસ કાર્યવાહી શરુ કરી છે.