Surat News: સુરતમાં ગત રાત્રિના સમયે લૂંટના આરોપી અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. આરોપીએ કોન્સ્ટેબલ પર ચપ્પુથી હુમલો કર્યો હતો. જયારે પીઆઈએ હવામાં ફાયરિંગ બાદ આરોપીના પગમાં ગોળી મારી હતી. આરોપીની પૂછપરછમાં તેણે સાથીદાર સાથે મળીને સુરતના વરાછા, કતારગામ અને મહિધરપુરા વિસ્તારોમાં લૂંટની ઘટનાઓને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે.
શખ્સે કોન્સ્ટેબલ પર કર્યો જીવલેણ હુમલો
સુરત શહેરમાં લીંબાયત પોલીસની ટીમ રાત્રિના આશરે ત્રણ વાગ્યાના અરસામાં ઝોન-2 વિસ્તારમાં પોલીસ વાન મારફતે પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન નીલગીરી ગ્રાઉન્ડ નજીક એક શખ્સની નજર પોલીસ પર પડતાં તે ભાગવા લાગ્યો હતો. શંકા જતાં પોલીસકર્મીઓએ તેનો પીછો કર્યો હતો. આરોપીને પકડવા માટે પોલીસ કોન્સ્ટેબલ અનિલકુમાર અમરસિંહ આગળ વધ્યા ત્યારે શખ્સે પોતાની કમરમાંથી ચપ્પુ કાઢીને તેમના પેટના ભાગે હુમલો કર્યો હતો.
પરિસ્થિતિની ગંભીરતા જોતા પોલીસ ઇન્સ્પેક્ટર ડી.ડી. ચૌહાણે આરોપીને હુમલો બંધ કરવા અને ચપ્પુ ફેંકી દેવા ચેતવણી આપી હતી. જોકે, આરોપી પોલીસની સૂચનાને અવગણીને હુમલાખોર વલણ ચાલુ રાખતાં PIએ પ્રથમ હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.
સ્વ બચાવમાં પીઆઈએ ફાયરિંગ કર્યું
આટલી ચેતવણી છતાં આરોપી કાબૂમાં આવ્યો નહોતો અને ફરીથી પોલીસ ઇન્સ્પેક્ટર પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. પરિણામે સ્વબચાવમાં PI ડી.ડી. ચૌહાણે આરોપીના પગ તરફ ફાયરિંગ કર્યું હતું. આ દરમિયાન આરોપીના ડાબા પગમાં ગોળી વાગતાં તેને તાત્કાલિક સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યારે ચપ્પુના હુમલામાં ઘાયલ થયેલા પોલીસ કોન્સ્ટેબલ અનિલકુમાર અમરસિંહને સારવાર માટે લીંબાયતની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આરોપીએ લૂંટની ઘટનાઓને આપ્યો અંજામ
પોલીસે પકડાયેલા શખસની પૂછપરછ કરતાં તેનું નામ પરવેઝ મુશરફ અન્સારી હોવાનું સામે આવ્યું છે. તે હાલ લીંબાયત વિસ્તારમાં મમતા ટોકીઝ પાસે રહેતો હોવાનું અને મૂળ ઝારખંડનો વતની હોવાનું જાણવા મળ્યું છે. વધુ પૂછપરછમાં પરવેઝે કબૂલાત કરી હોવાનું જણાવાયું છે કે ગત વહેલી સવારે તેણે પોતાના સાથીદાર લક્ષ્મણ ઉર્ફે ગુડ્ડુ સાથે મળીને સુરતના વરાછા, કતારગામ અને મહિધરપુરા વિસ્તારોમાં લૂંટની ઘટનાઓને અંજામ આપ્યો હતો.
આ લૂંટ દરમિયાન લૂંટાયેલા કેટલાક મોબાઈલ ફોન પણ પોલીસને આરોપી પાસેથી મળી આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. હાલ આરોપી અને ઘાયલ પોલીસકર્મીની સારવાર ચાલી રહી છે. બીજી તરફ, લૂંટની ઘટનાઓમાં સંડોવાયેલા અન્ય આરોપી તેમજ ગુનાની વધુ વિગતો મેળવવા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
