Surat News: સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ અને વડોદરા ગ્રામ્ય SOGની સંયુક્ત ટીમે ઓડિશાના ભુવનેશ્વર શહેરમાં થયેલા ચકચારી લૂંટ વિથ મર્ડરના ગુનામાં સંડોવાયેલા આરોપીને ઝડપી પાડ્યો છે. ભુવનેશ્વરના લક્ષ્મીસાગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નિવૃત્ત DFOની 76 વર્ષીય પત્નીની હત્યા કરી રોકડ અને સોનાના દાગીનાની લૂંટ કરી ફરાર થયેલો આરોપી સુરતથી વડોદરા તરફ જતો હતો. દરમિયાન કરજણ નજીક નેશનલ હાઇવે-48 પર આવેલી ક્રિષ્ના હોટેલ પાસેથી તેને ઝડપી લેવામાં આવ્યો હતો.
મળતી માહિતી અનુસાર, દિવાળી અને નવા વર્ષના તહેવારો દરમિયાન સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે ક્રાઇમ બ્રાન્ચની અલગ-અલગ ટીમો પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે ઓડિશાના ભુવનેશ્વર શહેરના લક્ષ્મીસાગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં વૃદ્ધ મહિલાની લૂંટના ઇરાદે હત્યા કરી ફરાર થયેલો આરોપી બલભદ્ર રામચંદ્ર મહારાણા સુરત આવ્યો છે. બાતમીના આધારે પોલીસે આરોપીને ઝડપી પાડવા તપાસ શરૂ કરી હતી. જોકે, આરોપી સુરતથી વડોદરા તરફ નીકળી ગયો હોવાની માહિતી મળતાં તેનો પીછો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ અને વડોદરા ગ્રામ્ય SOGની સંયુક્ત ટીમે કરજણ ખાતે નેશનલ હાઇવે-48 પર આવેલી ક્રિષ્ના હોટેલ પાસે જાહેર રસ્તા પરથી આરોપીને ઝડપી પાડ્યો હતો.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. આરોપી બલભદ્ર મહારાણા મૂળ ઓરિસ્સાનો વતની છે અને તે છેલ્લા ચાર મહિનાથી ભુવનેશ્વરમાં નિવૃત્ત DFOની પત્ની કુંજલતા નંદા (ઉંમર 76 વર્ષ)ના ઘરે કેરટેકર તરીકે કામ કરતો હતો. ઘરમાં કામ કરતો હોવાથી તેને ઘરની સ્થિતિ અને પરિવારની ગતિવિધિઓની જાણકારી હતી. ગત 3 નવેમ્બર, 2026ના રોજ ઘરમાં કોઈ હાજર ન હોવાનો લાભ લઈને આરોપીએ લૂંટના ઇરાદે કુંજલતા નંદાનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી. ત્યારબાદ ઘરમાંથી રૂ.32 હજાર રોકડા અને આશરે 50થી 60 ગ્રામ સોનાનાં ઘરેણાંની લૂંટ કરી ફરાર થઈ ગયો હતો.
વૃદ્ધ મહિલાની હત્યા અને લૂંટ કર્યા બાદ આરોપી ભુવનેશ્વરથી પંજાબના લુધિયાણા ભાગી ગયો હતો. ત્યારબાદ ત્યાંથી સુરત આવ્યો હતો. સુરતથી બસ મારફતે દિલ્હી જવાની તૈયારીમાં હોવાની માહિતી પોલીસને મળી હતી.
આ માહિતીના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચ અને વડોદરા ગ્રામ્ય SOGએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી કરજણ નજીકથી આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપીને ઝડપી પાડ્યા બાદ તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને ભુવનેશ્વરના લક્ષ્મીસાગર પોલીસ સ્ટેશનની પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
