Bhagwan Swaminarayan 201 Year Old turban: સંવત 1881માં ભગવાન સ્વામિનારાયણે સુરતના પારસી અરદેશર કોટવાલને પોતાની પાઘડી અને શ્રીફળ ભેટ આપ્યા હતા. વાડિયા પરિવારની 7મી પેઢી આજે પણ 201 વર્ષ જૂની પાઘડીને અમૂલ્યા ધરોહર તરીકે જતન કરી રહી છે. ભાઈબીજના દિવસે જાહેર જનતા માટે પાઘડીના દર્શન ખુલ્લા મૂકવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવે છે.
ભગવાન સ્વામિનારાયણની 201 વર્ષ જૂની પાઘડીના ઈતિહાસ મુજબ, સંવત 1881માં સાક્ષાત સ્વામિનારાયણ ભગવાન વિચરણ કરતા-કરતા સુરત પધાર્યા હતા. ત્યારે સુરતના એક પારસી પરિવાર સાથે તેમનો દિવ્ય સંબંધ બંધાયો હતો. સુરતના તત્કાલીન નગરશ્રેષ્ઠી અને ઉચ્ચ હોદ્દો ધરાવતા પારસી અરદેશર કોટવાલ ભગવાન સ્વામિનારાયણના પરમ સત્સંગી હતા. તેમણે ભગવાનના રોકાણ, આગતા-સ્વાગતા અને સુરક્ષાની ઉત્તમ વ્યવસ્થા કરી હતી.
સંવત 1881 ના માગશર સુદ ત્રીજના દિવસે ભગવાને સુરતથી પ્રસ્થાન કર્યું. વિદાય વેળાએ કોટવાલના મનમાં ભાવ જાગ્યો કે ભગવાન પોતાની કોઈ પ્રિય સ્મૃતિ આપી જાય, જેનીતેઓ નિત્ય પૂજા-અર્ચના કરી શકે. અંતર્યામી ભગવાને ભક્તનો મનોભાવ જાણીને અને અરદેશર કોટવાલની ભક્તિ તથા સેવાથી પ્રસન્ન થઈને પોતાની પવિત્ર પાઘડી તથા શ્રીફળ ભેટ સ્વરૂપે અર્પણ કર્યા હતા.
201 વર્ષ વીતી ગયા બાદ આજે પણ પારસી પરિવારની પેઢીઓ આ ઐતિહાસિક અને પવિત્ર ધરોહરનું જતન કરી રહી છે. કાળક્રમે આ સ્મૃતિ અરદેશર કોટવાલના પુત્ર જહાંગીરશાહ અને ત્યારબાદ તેમની પત્ની ડોશીબાઈ પાસેથી મોસાળ સોરાબજી એડલજી વાડિયા પરિવાર પાસે આવી પહોંચી હતી. વર્ષોથી ચાલતી પરંપરા મુજબ માત્ર ભાઈ બીજના પવિત્ર દિવસે જ આ ઐતિહાસિક પાઘડીના દર્શન જાહેર જનતા માટે ખુલ્લા મૂકવામાં આવે છે.
સુરતના સૈયદપુરામાં રહેતા વાડિયા પરિવારે પવિત્ર પાઘડીની સુરક્ષા માટે ઘરમાં એક અલાયદો પૂજા રૂમ તૈયાર કર્યો છે. 201 વર્ષ જૂની પાઘડી કુદરતી રીતે સુરક્ષિત રહે અને તેને નુકસાન ન પહોંચે તે માટે ખાસ લાકડાની પેટીમાં રાખવામાં આવે છે. તેમાં કોઈ જીવાત કે જંતુ ન થાય તે હેતુથી પરિવાર નિયમિતપણે કપૂરની ગોટી, લવિંગ અને નેપથેલીન બોલ્સ મૂકે છે. આ ઉપાયો થકી કાપડ અને તેની પવિત્રતા આજે પણ અકબંધ જળવાઈ રહી છે.
વાડિયા પરિવારની 7મી પેઢીનું પ્રતિનિધિત્વ કરતા શેઝાદ વાડિયાએ જણાવ્યું કે, સાક્ષાત ભગવાન સ્વામિનારાયણે આ પાઘડી અમારા પૂર્વજ અરદેશર કોટવાલને ભેટ આપી હતી અને આ પાઘડી તથા શ્રીફળ બંને 201 વર્ષ જૂના છે. વાડિયા પરિવાર મૂળ પારસી સમુદાયનો હોવા છતાં 2 સદીથી વધુ સમયથી સ્વામિનારાયણ ધર્મ પાળે છે. પરિવારના સભ્યો પારસી પરંપરા મુજબ પવિત્ર જનોઈ (કુસ્તી) ધારણ કરવાની સાથે ગળામાં શ્રીજી મહારાજની કંઠી પહેરે છે.
