Surat News: સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં શ્વાનના હુમલાની વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ત્રિપુરી નગરમાં શેરીમાં રમી રહેલા માત્ર 6 વર્ષના સાહિલ કુમાર પર એક રખડતા શ્વાને અચાનક હુમલો કરી દીધો હતો. શ્વાને બાળકના ગાલ પર બચકાં ભરતાં તે ગંભીર રીતે ઘાયલ થઈ લોહીલુહાણ થઈ ગયો હતો. બાળકની ચીસો સાંભળીને આસપાસના લોકોમાં દોડધામ મચી ગઈ હતી.
ઘટના બાદ પરિવારજનો તાત્કાલિક સાહિલને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. સાહિલ આંગણવાડીમાં અભ્યાસ કરે છે. આ ઘટનાને પગલે ત્રિપુરી નગરના રહેવાસીઓમાં રોષ સાથે ભયનો માહોલ ફેલાયો છે. મૂળ ઉત્તર પ્રદેશના વતની અને સુરતની એક કંપનીમાં નોકરી કરતા સાહિલના પિતા પ્રેમ સાગરે જણાવ્યું હતું કે તેમનો દીકરો ગલીમાં રમી રહ્યો હતો ત્યારે અચાનક રખડતો શ્વાન ત્યાં આવી પહોંચ્યો અને તેના પર હુમલો કર્યો હતો.
તેમણે વધુમાં જણાવ્યું કે, સોસાયટી અને આસપાસના વિસ્તારમાં મોટી સંખ્યામાં રખડતા શ્વાન જોવા મળે છે, જેના કારણે તેમનો ત્રાસ સતત વધી રહ્યો છે. આ સમગ્ર ઘટનામાં એક મહત્ત્વની બાબત એ પણ સામે આવી છે કે વિસ્તારમાં રખડતા શ્વાનનો ત્રાસ હોવા છતાં સુરત મહાનગરપાલિકા સમક્ષ અત્યાર સુધી કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાઈ નથી.
ઈજાગ્રસ્ત બાળકના પિતા પ્રેમ સાગરે પણ સ્વીકાર્યું હતું કે અગાઉ તેમણે આ સમસ્યા અંગે ક્યારેય પાલિકામાં રજૂઆત કરી નથી. જોકે, આ ઘટના બાદ સ્થાનિક લોકો તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી રખડતા શ્વાનને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે.
