Surat Pal TP 74 Approved: સુરત મહાનગરપાલિકાના રાંદેર ઝોન અને તાપી નદીના કિનારે આવેલા વિસ્તારો માટે આનંદના સમાચાર છે. રાજ્ય સરકાર દ્વારા રાંદેર ઝોનના 60 મીટર પહોળા સુરત-હજીરા રોડને લાગુ પાલ વિસ્તારની ડ્રાફ્ટ TP સ્કીમ 74 ને પ્રારંભિક યોજના તરીકે મંજૂરી આપી દેવામાં આવી છે.
તાપી રિવરફ્રન્ટ અને બેરાજ જેવા પ્રોજેક્ટને ગતિ
તાપી નદીના કિનારે સ્થિત આ મહત્વપૂર્ણ ટીપી સ્કીમ મંજૂર થવાને કારણે નજીકમાં જ આકાર લઈ રહેલા અને પ્રસ્તાવિત વિવિધ સરકારી પ્રોજેક્ટોનું કામ ઝડપી બનશે. મુખ્યત્વે પ્રસ્તાવિત તાપી બેરાજ પ્રોજેક્ટ, તાપી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ અને પ્રોટેક્શન પાળા (પૂર સંરક્ષણ દીવાલ) જેવા પ્રકલ્પોના અમલીકરણને વેગ મળશે. આવા બહુહેતુક અને મહત્વાકાંક્ષી આયોજનો સાકાર થવાથી સ્થાનિક વિસ્તારનું ચિત્ર સંપૂર્ણપણે બદલાઈ જશે.
1.37 લાખ ચો.મી. રસ્તાઓનો ઝડપી વિકાસ થશે
નવી મંજૂર થયેલી પાલ TP સ્કીમ 74 અંતર્ગત વિવિધ પહોળાઈ ધરાવતા આંતરિક અને મુખ્ય રસ્તાઓનું આયોજનબદ્ધ રીતે તાત્કાલિક અમલીકરણ શક્ય બનશે. આ યોજના હેઠળ 60 મીટર, 30 મીટર અને 18 મીટરની પહોળાઈ ધરાવતા કુલ 1.37 લાખ ચોરસ મીટર ક્ષેત્રફળના રસ્તાઓનો વિકાસ કરવામાં આવશે.
આ રસ્તાઓનો કબજો મેળવ્યા બાદ સમગ્ર વિસ્તારમાં વિવિધ પ્રાથમિક નાગરિક સુવિધાઓનું આયોજનબદ્ધ નેટવર્ક ઊભું કરવામાં આવશે. જેમાં સ્ટ્રીટ લાઈટનું સચોટ આયોજન, પીવાનું પાણી અને ગટર વ્યવસ્થા તથા સ્ટોર્મ વોટર ડ્રેઈન (વરસાદી પાણીના નિકાલની લાઈન) જેવા આયોજનો સામેલ છે. આ TP સ્કીમ મંજૂર થવાથી સમગ્ર વિસ્તારના આયોજનબદ્ધ આંતર માળખાકીય વિકાસને મોટો વેગ મળશે.
EWS આવાસો અને ગાર્ડન માટે 14 ફાઈનલ પ્લોટ
આ TP સ્કીમ મંજૂર થવાથી સુરત મહાનગરપાલિકાને વિવિધ જાહેર હેતુઓ માટે અંદાજે 68,624 ચોરસ મીટર ક્ષેત્રફળ ધરાવતા કુલ 14 ફાઈનલ પ્લોટ પ્રાપ્ત થશે. SMC આ કિંમતી પ્લોટનો ઉપયોગ ભવિષ્યના વિકાસકાર્યો માટે કરશે. જેમાં સામાજિક અને આર્થિક રીતે નબળા વર્ગોના લોકો માટે EWS આવાસ યોજનાના પ્લોટ સામેલ છે.
આ ઉપરાંત જાહેર ઉપયોગ માટે સોશિયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા તથા ગાર્ડન અને પાર્કિંગની ઉત્તમ સુવિધાઓના નિર્માણ જેવી વ્યવસ્થા ઊભી કરાશે. સરકારના આ મહત્વના નિર્ણયથી રાંદેર અને પાલ વિસ્તારના લોકોની સુખાકારીમાં મોટો વધારો થશે અને રસ્તાઓ સહિતની સુવિધાઓ વધુ સુદ્રઢ બનશે.
