Surat News: તાપી નદીમાં ન્હાવા પડેલા ડિંડોલીના યુવાનનું ડૂબી જવાથી મોત, મિત્રો સાથેની મજા વચ્ચે માતમ છવાયો

ભારે જહેમત બાદ સોમવારે સવારે યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Tue, 14 Apr 2026 05:54 PM (IST)Updated: Tue, 14 Apr 2026 05:54 PM (IST)
surat-news-youth-drowned-in-tapi-river-near-dabholi-bridge
HIGHLIGHTS
  • ડભોલી બ્રિજ પાસે દુ:ખદ બનાવ
  • તાપી નદીમાં ડૂબી ગયો યુવાન
  • ડિંડોલીના આશાસ્પદ યુવકનું મોત

Surat News: ઉનાળાની શરૂઆતમાં જ ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે, ત્યારે રવિવારની રજા હોવાથી મિત્રો સાથે તાપી નદીએ નાહવા ગયેલા ડિંડોલીના એક આશાસ્પદ યુવાનનું ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું છે. ડભોલી બ્રિજ નીચે બનેલી આ ઘટનાને પગલે યુવકના પરિવારમાં ભારે શોકનું મોજુ ફરી વળ્યું છે.

મિત્રો સાથે નદીમાં ન્હાવા ગયો

પ્રાપ્ત વિગતો અનુસાર, ડિંડોલી વિસ્તારની અમીધારા સોસાયટીમાં રહેતો 31 વર્ષીય વિકાસ રાજુભાઈ નાયકા ગૌરવપથ પર આવેલા એક મોટર વર્કશોપમાં કામ કરીને પોતાના પરિવારને આર્થિક મદદ કરતો હતો. ગત 12 એપ્રિલ, રવિવારના રોજ રજા હોવાથી તે પોતાના મિત્રો સાથે ડભોલી બ્રિજ નીચે તાપી નદીના કિનારે ફરવા માટે ગયો હતો. 

નદીમાં ડૂબતા યુવક થયો લાપતા

બપોરના સમયે અસહ્ય ગરમી લાગતા વિકાસે નદીમાં નાહવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પરંતુ, નદીમાં કૂદકો માર્યા બાદ તે ઊંડા પાણીના પ્રવાહમાં ગરકાવ થઈને લાપતા થઈ ગયો હતો. વિકાસ પાણીમાં ગાયબ થઈ જતાં તેના મિત્રોએ બૂમાબૂમ કરી મૂકી હતી, જેનાથી સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા અને ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.

ભારે જહેમત બાદ મળ્યો મૃતદેહ 

ઘટનાસ્થળે પહોંચેલા ફાયર ફાઈટરોએ મોડી સાંજ સુધી ભારે શોધખોળ હાથ ધરી હતી, પરંતુ પાણી વધુ ઊંડું હોવાને કારણે વિકાસનો કોઈ પતો લાગ્યો ન હતો. આખરે, સોમવારે વહેલી સવારે આશરે 7:00 વાગ્યાની આસપાસ તે જ સ્થળ પરથી વિકાસનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહ મળી આવતા ફાયર વિભાગે તેને બહાર કાઢીને સિંગણપોર પોલીસને સોંપ્યો હતો.

પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો

સિંગણપોર પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. રવિવારની રજાની મજા માણવા ગયેલા યુવાન દીકરાના અચાનક અવસાનના સમાચાર મળતા જ પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે, અને સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ છે.