Surat: સિંગણપોરની હોટલમાં યુવતી પર દુષ્કર્મ, કામાંધ ભુવાએ આશીર્વાદ લેવા માટે બોલાવી હવસનો શિકાર બનાવી

માતાજીનો પ્રસાદ આરોગતા બેભાન બનેલી યુવતી સાથે બળજબરીથી શરીર સબંધ બાંધીને વાંધાજનક ફોટા પાડી લીધા. જેને વાયરલ કરવાની ધમકી આપીને સતત યૌન શોષણ કર્યું.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 21 Jun 2026 10:57 PM (IST)Updated: Sun, 21 Jun 2026 10:57 PM (IST)
surat-news-woman-rape-by-tantrik-in-singanpor-police-held-accused

Surat: સુરતમાં ભુવા દ્વારા યુવતી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં ભુવાએ માતાજીના આશીર્વાદ લેવા માટે હોટલમાં બોલાવ્યા બાદ પ્રસાદ આપતા બેભાન બનેલી યુવતીને પોતાની હવસનો શિકાર બનાવી હતી. આ દરમિયાન લંપટ ભુવાએ યુવતીના આપત્તિજનક ફોટા પાડી લીધા હતા, જેને વાયરલ કરવાની ધમકી આપીને યૌન શોષણ કરતો હતો. આ મામલે યુવતીની ફરિયાદના આધારે પોલીસે ભુવાની ધરપકડ કરી છે.

ભુવો પોતાને માતાજીનો સેવક અને ચમત્કારી પુરુષ ગણાવતો

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, ફરિયાદી યુવતીના પરિવાર દ્વારા ઘરમાં ધાર્મિક વિધિ કરવા માટે નરેશ ચૌહાણ નામના ભુવાને બોલાવવામાં આવ્યો હતો. જે બાદ નરેશ ભુવાએ ઈન્સ્ટાગ્રામ પર યુવતીની પ્રોફાઈલ શોધીને મેસેજ પર વાતચીત કરવાનું શરૂ કર્યું હતુ. નરેશ ભુવો પોતાને માતાજીનો સેવક અને ચમત્કારી પુરુષ તરીકે રજૂ કરીને પીડિતાને ડરાવીને તેનો પર્સનલ મોબાઈલ નંબર મેળવી લીધો હતો.

ભૂવાએ માતાજીના ખાસ આશીર્વાદ લેવા માટે બોલાવતા યુવતી સિંગણપોર સ્થિત હોટલમાં પહોંચી હતી. જ્યાં ભુવાએ આપેલી પ્રસાદી ગ્રહણ કરતાં જ યુવતી બેભાન થઈ ગઈ હતી. યુવતીની બેભાન અવસ્થાનો લાભ લઈ લંપટ ભુવાએ તેના પર દુષ્કર્મ આચર્યું હતુ. આ દરમિયાન તેણે યુવતીના ફોટો પણ પોતાના મોબાઈલમાં પાડી લીધા હતા.

યુવતીની વાંધાજનક તસવીરો વાયરલ કરવાની ધમકી આપીને મોંઢુ ચુપ કરાવી દીધુ

જ્યારે પીડિત યુવતી ભાનમાં આવી, ત્યારે ભૂવાએ કોઈને કહીશ તો વાંધાજનક તસવીરો વાયરલ કરવાની તેમજ પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે બાદ ભૂવાએ બ્લેકમેઈલિંગનો ખેલ શરૂ કર્યો અને ડરાવીને અવારનવાર યુવતીને હોટલમાં બોલાવતો અને તેની મરજી વિરુદ્ધ સબંધ બાંધતો હતો.

આખરે કંટાળેલી યુવતીએ પોતાના પરિવાર સમક્ષ આપવીતી જણાવી દીધી હતી. પરિવારે હિંમત આપતાં યુવતીએ સિંગણપોર પોલીસ મથકમાં ભુવા નરેશ ચૌહાણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મનો ગુનો દાખલ કરીને ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો છે.

રાજકોટમાં વિધી કરવાના બહાને ભુવાએ મહિલાને બેભાન કરી બળાત્કાર ગુજાર્યો

ગત મહિને આવો જ એક બનાવ રાજકોટ જિલ્લામાંથી સામે આવ્યો હતો. જેમાં પોતાને માતાજીનો ભુવો ગણાવતા શખ્સે 40 વર્ષીય મહિલાને પોતાની હવસનો શિકાર બનાવી હતી. તુષાર નામનો માતાજીનો ભુવો વિધી કરવાના બહાને પીડિતાના ઘરમાં આવ્યો હતો. જ્યાં પીડિતાના પતિ અને પુત્રને રૂમની બહાર મોકલીને કોઈ પદાર્થ ખવડાવતા પીડિતા બેભાન થઈ ગઈ હતી. જે બાદ ભુવાએ તેની મરજી વિરુદ્ધ શરીર સબંધ બાંધ્યા હતા. જે બાદ પીડિતાના પુત્ર અને પતિને જાનથી મારી નાંખવાની ધમકી આપીને અવારનવાર તેની પર દુષ્કર્મ આચર્યું હતુ.