Ahmedabad: અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં ખાનગી લક્ઝરી બસ પલટી મારીને રોડની નીચે ઉતરી ગઈ હતી. આ અકસ્માતમાં એક મુસાફરનું મોત નીપજ્યું છે, જ્યારે ચાર જેટલા મુસાફરોની હાલત ગંભીર હોવાનું માલૂમ પડ્યું છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, અમદાવાદ પાસિંગની ખાનગી લક્ઝરી બસ અમદાવાદ ખાતે આયોજિત પારિવારિક પ્રસંગ પૂર્ણ કરીને પરત ભાવનગર જવા નીકળી હતી. 25 જેટલા મુસાફરો ભરેલી આ બસ અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ વે પર આવેલા કરિયાણા ગામ નજીકથી પસાર થઈ રહી હતી, ત્યારે બસના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો.
જેથી બેકાબુ બનેલી બસ ગુલાંટ ખાઈને રોડની સાઈડમાં નીચે ઉતરી ગઈ હતી. આ અકસ્માતના પગલે બસમાં સવાર મુસાફરોએ ચીસાચીસ કરી મૂકી હતી. આ બાબતની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. તેમજ સ્થાનિક પોલીસ, 108 એમ્બ્યુલન્સ સહિતનો કાફલો સ્થલ પર આવી પહોંચ્યો હતો. જે બાદ બસમાં સવાર મુસાફરોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતકુ.
પ્રાથમિક અહેવાલ અનુસાર આ અકસ્માતમાં બસમાં સવાર એક મુસાફરનું ગંભીર ઈજા થવાના કારણે મોત નીપજ્યું છે. જ્યારે અન્ય ચાર જેટલા મુસાફરોને ગંભીર હાલતમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ સિવાય અન્ય મુસાફરોને સામાન્ય ઈજા પહોંચી છે.
