Ahmedabad: શહેરના સતત ટ્રાફિકથી ધમધમતા રહેતા રિલીફ રોડ પર આજે સરેઆમ તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને એક યુવકની ઘાતકી હત્યા કરવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો છે.
રૂપિયાની લેતી-દેતીનો ઝઘડો લોહીયાળ બન્યો
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, શહેરના હાટકેશ્વર વિસ્તારમાં પરિવાર સાથે રહેતા જયશંકર રાજપૂતને વટવાના શાકીબ શેખ સાથે પૈસાની લેવડ-દેવડને લઈને માથાકૂટ ચાલતી હતી. આજે શાકીબે રૂપિયાની લેતી-દેતીને લઈને વાત કરવા માટે બોલાવતા જયશંકર પથ્થરકૂવા પાસે પહોંચ્યો હતો.
જ્યાં શાકીબ અને જયશંકર વચ્ચે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતુ. આ દરમિયાન ઉશ્કેરાયેલા શાકીબ પોતાની પાસે રહેલી છરી લઈને જયશંકર પર તૂટી પડ્યો હતો. ધારદાર છરીના આડેધડ ઘા મારતા જયશંકર સ્થળ પર જ લોહીના ખાબોચિયામાં ફસડાઈ ગયો હતો. આ સમયે લોકોના ટોળા એકઠા થતાં શાકીર ભાગી છૂટ્યો હતો.
બીજી તરફ આ બનાવની જાણ થતાં કારંજ પોલીસ મથકની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે જયશંકરના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી ફરાર આરોપીની ધરપકડ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યાં હતા. કારંજ પોલીસે હત્યા કર્યાં બાદ ફરાર થયેલા આરોપીની ગણતરીના કલાકોમાં અટકાયક કરી છે. હાલ આરોપીની પૂછપરછ કરવા સહિત આગળની કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે.
