Surat News: સુરત-વલસાડથી યુપી-બિહાર જતા મુસાફરો માટે રાહત, પશ્ચિમ રેલવે 15 અને 16 નવેમ્બરે દોડાવશે 6 વિશેષ ટ્રેનો

15 નવેમ્બરના રોજ સવારે 4:30 કલાકે બાંદ્રાથી ગોરખપુર, સવારે 8:45 કલાકે વલસાડથી રાજગીર, સાંજે 7:45 કલાકે ઉધનાથી ગયા, રાત્રે 9:45 કલાકે ઉધનાથી બરૌની અને રાત્રે 11:20 કલાકે વલસાડથી સમસ્તીપુર વચ્ચે વિશેષ ટ્રેન દોડાવવામાં આવશે

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Sun, 15 Nov 2026 11:19 AM (IST)Updated: Sun, 15 Nov 2026 11:19 AM (IST)
surat-news-western-railway-to-run-6-special-trains-for-up-and-bihar-on-november-1516

Western Railway Train Update: દિવાળી બાદ પોતાના વતન ઉત્તર પ્રદેશ અને બિહાર જવા ઇચ્છતા મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા વધુ વિશેષ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુસાફરોની વધતી સંખ્યાને પહોંચી વળવા આગામી 15 અને 16 નવેમ્બરના રોજ કુલ છ વધારાની ટ્રેનોનું સંચાલન કરવામાં આવશે. આ ટ્રેનો બાંદ્રા, વલસાડ અને ઉધના જેવા સ્ટેશનો પરથી ઉત્તર પ્રદેશ અને બિહારનાં વિવિધ શહેરો માટે રવાના થશે.

15 અને 16 નવેમ્બરના રોજ દોડાવાશે સ્પેશિયલ ટ્રેનો

રેલવે દ્વારા જાહેર કરાયેલા સમયપત્રક મુજબ, 15 નવેમ્બરના રોજ સવારે 4:30 કલાકે બાંદ્રાથી ગોરખપુર, સવારે 8:45 કલાકે વલસાડથી રાજગીર, સાંજે 7:45 કલાકે ઉધનાથી ગયા, રાત્રે 9:45 કલાકે ઉધનાથી બરૌની અને રાત્રે 11:20 કલાકે વલસાડથી સમસ્તીપુર વચ્ચે વિશેષ ટ્રેન દોડાવવામાં આવશે. જ્યારે 16 નવેમ્બરના રોજ રાત્રે 9:45 કલાકે ઉધનાથી ઝંઝારપુર માટે ટ્રેન રવાના કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત રાત્રે 11:50 કલાકે પણ એક ટ્રેન રવાના થવાની વિગતો આપવામાં આવી છે.

પરત ફરતા મુસાફારો માટે પણ કરાશે ખાસ વ્યવસ્થા

દિવાળીના તહેવાર દરમિયાન મોટાભાગના પ્રવાસીઓ ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ રવાના થઈ ચૂક્યા છે. જોકે, હજુ પણ કેટલાક મુસાફરો વતન જવા માટે બાકી હોવાથી તેમની સુવિધા માટે રવિવાર અને સોમવારના રોજ વધારાની ટ્રેનો ચલાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. એટલું જ નહીં, આ ટ્રેનો ઉત્તર પ્રદેશ અને બિહાર પહોંચ્યા બાદ ત્યાંથી ગુજરાત સહિત અન્ય રાજ્યો તરફ પરત આવતા મુસાફરો માટે પણ રેલવે દ્વારા જરૂરી વ્યવસ્થા કરવામાં આવશે.

મુસાફરોની ભીડનું સંચાલન કરવા સતત પ્રયાસો ચાલુ

ઉલ્લેખનીય છે કે દિવાળીના સમયગાળા દરમિયાન પશ્ચિમ રેલવે દ્વારા નિયમિત ટ્રેનો ઉપરાંત અનેક વિશેષ ટ્રેનો પણ દોડાવવામાં આવી હતી, જેથી મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાને પહોંચવામાં સરળતા રહે. તેમ છતાં તહેવારના અંતિમ દિવસોમાં મોટી સંખ્યામાં મુસાફરો એકસાથે મુસાફરી કરવા નીકળતાં અનેક લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. દર વર્ષે તહેવારો દરમિયાન સર્જાતી આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રેલવે તંત્ર દ્વારા ટ્રેન વ્યવસ્થામાં સુધારા અને મુસાફરોની ભીડનું સંચાલન કરવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.