Surat: રાજ્યસભા સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાની ઉપસ્થિતિમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના 58મા પદવીદાન સમારોહમાં 12 વિદ્યાશાખાઓના 99 અભ્યાસક્રમોના 8,725 યુવા છાત્ર-છાત્રાઓને પદવીઓ એનાયત કરાઈ હતી.
આ ઉપરાંત મહાનુભાવોના હસ્તે 149 પી.એચ.ડી. તથા 1 એમ.ફિલ. ને પદવીઓ એનાયત કરાઈ હતી. આ પ્રસંગે મહાનુભાવોએ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ઉપયોગી પરીક્ષાલક્ષી તમામ માહિતી આવરી લેતું VNSGU માટે એક્ઝામિનેશન મેન્યુઅલનું લોકાર્પણ કર્યું હતું. આ સમારોહને દીપાવતા સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારોએ શંખનાદ અને ભૂદેવોએ વૈદિક મંત્રોચ્ચાર સાથે ભારતીય સંસ્કૃતિની પ્રાચીન ગુરૂકુળ પરંપરાને ઉજાગર કરી હતી.
પદવીદાન સમારોહમાં દીક્ષાંત પ્રવચન આપતા સાંસદએ જીવનભરના સંભારણા સમાન પદવી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે યુવાઓને પ્રામાણિકતા અને જ્ઞાનોપાર્જનને જીવન સાથે વણી લેવાની માર્મિક શીખ આપતા જણાવ્યું કે, પોતાની સાથે સમગ્ર પરિવાર માટે ગૌરવવંતી આ સફળતા જીવનના મુખ્ય ધ્યેય તરફનું પ્રથમ સોપાન છે. વિદ્યાર્થી જીવન પછીની સાચી કારકિર્દી અને ઓળખ ભવિષ્યના સારા કર્મો નક્કી કરશે.
વધુમાં સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાએ સ્વાનુભવ વર્ણવી રાષ્ટ્રના યુવાધનને વ્યવસાયિક જીવનમાં નિયમિત નિશ્ચિત કલાકો મહેનત કરી આર્થિક અને સામાજિક રીતે પ્રેરણાદાયી જીવન ઘડતર કરવા પ્રોત્સાહન આપ્યું હતું અને મેળવેલી વિદ્યાનો સમગ્ર સમાજ માટે સુયોગ્ય ઉપયોગ કરવા પ્રેરિત કર્યા હતા.
જીવનના અમૂલ્ય વર્ષો વિદ્યાભ્યાસ કર્યા બાદ કારકિર્દી નિર્માણ માટે વિશાળ અને સ્વતંત્ર ફલકમાં પ્રવેશવા તૈયાર નવયુવાઓને જીવનના દરેક પડકારને તકમાં રૂપાંતરિત કરી સત્ય, નિષ્ઠા અને પરિશ્રમ સાથે નિશ્ચિત પરિણામ પ્રાપ્ત કરવા સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાએ આહ્વાન કર્યું હતું.
પ્રાસંગિક ઉદ્દબોધન કરતાં યુનિવર્સિટીના કુલપતિ ડો.કે.એન.ચાવડાએ જણાવ્યું કે, નર્મદ યુનિવસિર્ટીએ શિક્ષણ અને પારદર્શી મેનેજમેન્ટથી આગવી ઓળખ ઉભી કરી છે. શિક્ષણના વિશાળ વટવૃક્ષ સમાન આ યુનિવર્સિટીએ એકેડેમિક બેન્ક ઓફ ક્રેડિટ આઈડી બનાવવામાં અને સૌથી વધુ ક્રેડિટ પ્રાપ્ત કરવામાં સમગ્ર દેશમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે.
પી.એમ. ઉષા યોજના હેઠળ નર્મદ યુનિવર્સિટીના વિકાસ માટે મળેલી રૂ.100 કરોડની ગ્રાન્ટ પૈકી રૂ.60 કરોડના બહુવિધ શિક્ષણવિકાસના કામો પ્રગતિમાં છે. આ પ્રસંગે કુલસચિવ આર.સી. ગઢવી, પરીક્ષા નિયામક એ.વી.ધડૂક, વિભાગીય વડાઓ, યુનિવર્સિટીના પદાધિકારીઓ, કોલેજોના આચાર્યશ્રીઓ સહિત પદવી મેળવનાર વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ડિજીલોકરમાં તમામ 8 હજારથી વધુ ડિગ્રીઓ ડિજિટલી ઉપલબ્ધ બનશે
58મા પદવીદાન સમારોહમાં એનાયત થયેલી તમામ 8,725 ડિગ્રીઓ વિદ્યાર્થીઓના ડિજીલોકરમાં ઉપલબ્ધ બનશે, જે લોગઈન આઈડીથી વિદ્યાર્થીઓ એક્સેસ કરી શકશે. મહાનુભાવોએ રિમોટ દ્વારા તમામ ડિગ્રીઓ નેશનલ એકેડેમિક ડિપોઝીટરીમાં ડિજિટલ માધ્યમથી ડિપોઝીટ કરી હતી.
વર્ષો જૂની આદિજાતિ સંસ્કૃતિ અને પરંપરાનું દસ્તાવેજીકરણ, ના માત્ર આવનારી પેઢી પણ સમગ્ર સમાજ માટે એક ભેટ સ્વરૂપ: વ્યારાના 60 વર્ષીય પ્રો.વસંતભાઈ
VNSGU ના 58મા પદવીદાન સમારોહમાં ‘ગામીત જાતિનું લોકસાહિત્ય-સામાજિક, સાંસ્કૃતિક, સાહિત્યિ અને લોકબોલીના સંદર્ભે’ વિષય પર પી.એચ.ડીની ડિગ્રી મેળવી વ્યારાના 60 વર્ષીય પ્રો.વસંતભાઈ ગામીતે સાબિત કર્યું કે, “A TEACHER IS PRIMARILY A STUDENT, THAN A TEACHER….”
VNSGUના ગુજરાતી બોર્ડના ચેરમેન હોવાની સાથે છેલ્લા 35 વર્ષોથી વ્યારા કોલેજમાં ગુજરાતી પ્રોફેસર તેમજ વાઈસ પ્રિન્સીપાલ તરીકે ફરજ બજાવી રહેલા વસંતભાઈને કોરોના મહામારીના સમયમાં આવેલા વિચારને પરિણામ સ્વરૂપ આજે તેઓ Ph.Dની ડિગ્રી મેળવી ચુક્યા છે. તેમણે કહ્યું કે, પોતાની વર્ષો જૂની સંસ્કૃતિ અને પરંપરાનું દસ્તાવેજીકરણ, ના માત્ર આવનારી પેઢી પણ સમગ્ર સમાજ માટે એક ભેટ સ્વરૂપ છે.
