Surat News: સુરતમાં સરથાણા પોલીસે ડુપ્લીકેટ સાબુનું વેચાણ કરતા બે ઇસમોને ઝડપી પાડ્યા છે. ઘર શોપ આર્યુવેદા અને સાયન્સ મેજિક શોપ કંપનીના નામે આ ડુપ્લીકેટ સાબુનું ઓનલાઈન વેચાણ થતું હતું. પોલીસે રેડ કરી કુલ 2.04 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો.
મળતી માહિતી મુજબ, સુરતમાં સરથાણા પોલીસની ટીમને માહિતી મળી હતી કે લસકાણા ગઢપુર રોડ સ્થિત સહજાનંદ હબમાં આવેલી ઓફિસમાંથી ડુપ્લીકેટ સાબુનું વેચાણ થઈ રહ્યું છે. માહિતીના આધારે સરથાણા પોલીસે ત્યાં રેડ કરી હતી, પોલીસે રેડ દરમ્યાન ત્યાંથી ચિરાગભાઈ નાગજીભાઈ રંગાણી અને દીપકભાઈ કાળુભાઈ રાદડીયા ને ઝડપી પાડ્યા હતા. પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે ઘર શોપ આર્યુવેદા અને સાયન્સ મેજિક શોપ કંપનીના નામે આ ડુપ્લીકેટ સાબુનું ઓનલાઈન વેચાણ થતું હતું.
પોલીસે ત્યાંથી કુલ 2.04 લાખની કિંમતના સાબુના 2 હજાર નંગ બોક્સ જપ્ત કર્યા હતા અને આ મામલે જાણવા જોગ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પૂછપરછમાં સામે આવ્યું હતું કે પકડાયેલા ઇસમો મોટા વરાછા વિસ્તારમાંથી એક ઇસમ પાસેથી લાવતા હતા અને પેકિંગ કરીને છેલ્લા ૪ મહિનાથી ઓનલાઈન વેચાણ કરતા હતા. લીસ સપ્લાયરની ઓફિસે પહોંચી ત્યારે તે દુકાન બંધ કરી ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે. હાલ લસકાણા પોલીસે આ મામલે જાણવાજોગ ફરિયાદ નોંધી છે. સાથે જ સાચી પ્રોડક્ટ બનાવતી ઓરિજિનલ કંપનીનો સંપર્ક સાધી કોપીરાઈટ ભંગ અંગે ઈ-મેલથી જાણ કરવામાં આવી છે.
