Surat: લિંબાયતમાં પતંગ પકડવાની લાયમાં મોતનો ભેટો, જર્જરિત દીવાલ ધરાશાયી થતાં સગીર દટાઈ ગયો

પાડોશીએ મૃતકના પિતાને ફોન કરીને જાણ કરી કે, ફૈઝાન પર દીવાલ પડતા ઈજા પહોંચી છે, તો તમે તાત્કાલિક હોસ્પિટલ પહોંચો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 29 Nov 2025 08:10 PM (IST)Updated: Sat, 29 Nov 2025 08:10 PM (IST)
surat-news-teenage-died-due-to-wall-collapse-at-limbayat
HIGHLIGHTS
  • આસપાસના લોકોએ કાટમાળ હેઠળથી સગીરને કાઢીને હોસ્પિટલ લઈ ગયા

Surat: ઉત્તરાયણના તહેવારને હજુ દોઢેક મહિનાની વાર છે, ત્યારે સુરતના લિંબાયત વિસ્તારમાં એક અત્યંત કરુણ ઘટના સામે આવી છે. જેમાં પતંગ પકડવાની લ્હાયમાં એક 12 વર્ષનો કિશોર પર જર્જરિત દીવાલ તૂટી પડી હતી. દીવાલના કાટમાળ હેઠળ દટાયેલા કિશોરનું ગંભીર ઈજા થવાથી તેનું કરુણ મોત નીપજ્યું છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, મોહમ્મદ ફૈઝાન (12) નામનો સગીર લિંબાયત સ્થિત સંગમની બાજુમાં આવેલા મેદાનમાં પતંગ પકડવા માટે ગયો હતો. આ સમયે મેદાનની જર્જરિત દીવાલ ધરાશાયી થતાં ફૈઝાન કાટમાળ હેઠળ દટાઈ હયો હતો. આ ઘટનામાં ફૈઝાનને ગંભીર ઈજા પહોંચી હતી.

બીજી તરફ આ બનાવની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ફૈઝાનને કાટમાળ હેઠળથી બહાર કાઢીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ ફૈઝાનને મૃત જાહેર કર્યો હતો.

પ્રાથમિક તપાસમાં મૃતક સગીરના પિતા મોહમ્મદ શમીમ ઘટના સમયે માર્કેટમાં પેકિંગનું કામ કરતા હતા. આ સમયે પાડોશીનો ફોન આવ્યો હતો કે, ફૈઝાન પર દીવાલ પડી હોવાથી તેને હોસ્પિટલ લઈ ગયા છે, તો તમે તાત્કાલિક આવી જાવ. મૃતક ફૈઝાન 3 ભાઈ બહેનોમાં સૌથી નાનો હતો. લાડકવાયા પુત્રના અકાળે મોતથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.