Surat: શહેરના ભીમરાડ–અલથાણ વિસ્તારમાં આવેલી શિવ રેસિડેન્સીના રહેવાસીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. છેલ્લા ત્રણ દિવસથી ઘર છોડવા મજબૂર બનેલા પરિવારો હવે ફરીથી પોતાના ઘરમાં પરત ફરી શકશે. શનિવાર સવારથી તમામ પરિવારોએ પોતાના ફ્લેટમાં પ્રવેશ કરી શકે તે માટે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે પ્રોટેક્શન વોલ બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે.
સુરતના ભીમરાડ–અલથાણ વિસ્તારમાં આવેલી શિવ રેસિડેન્સીની બાજુમાં નિર્માણાધીન પ્રોજેક્ટમાં કરવામાં આવેલા ઊંડા ખોદકામના કારણે પ્રોટેક્શન વોલ તેમજ પાર્કિંગ શેડ ધરાશાયી થયો હતો. આ ઘટનાને પગલે સુરક્ષાના કારણોસર તાત્કાલિક ચાર ટાવરો ખાલી કરાવવાનો નિર્ણય લેવાયો હતો, જેમાં અંદાજે 400 પરિવારો અચાનક બેઘર બન્યા હતા. લોકોને પોતાનું ઘર છોડીને હોટલોમાં કે સગાસંબંધીઓ પાસે આશરો લેવો પડ્યો હતો.
આ પણ વાંચો
પરિસ્થિતિની ગંભીરતા ધ્યાનમાં લઈ મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે તાત્કાલિક યુદ્ધના ધોરણે કામ પૂર્ણ કરવા કડક સૂચનાઓ આપી હતી. રાતદિવસ ચાલેલી કામગીરીમાં સુરત મહાનગરપાલિકાની મશીનરીનો વ્યાપક ઉપયોગ કરવામાં આવ્યો હતો, જ્યારે મનપાના ત્રણ વરિષ્ઠ ઇજનેરોને સ્થળ પર સતત દેખરેખ માટે તૈનાત રાખવામાં આવ્યા હતા.
માટીના પુરાણ બાદ મજબૂત કોંક્રિટની સુરક્ષા દીવાલનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેથી ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને. સમગ્ર કામગીરીનું ટેકનિકલ નિરીક્ષણ SVNITના નિષ્ણાત અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે. મ્યુનિસિપલ કમિશનર પોતે દર બે કલાકે કામગીરીની પ્રગતિ અંગે અહેવાલ મેળવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.
