Surat: સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના પરિયા ગામે અંજની ટેક્ષટાઇલ પાર્કમાં આવેલા સન સાઈન મેડિટેકની ઓફિસમાં કોમ્યુટરના સરસામાનની ચોરીની ઘટના બની હતી. આ ગુનાનો ભેદ સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસે ઉકેલી કાઢ્યો છે અને બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ 1.40 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના પરીયા ગામે આવેલા અંજની ટેક્સટાઇલ પાર્કમાં સન સાઈન મેડીટેકની ઓફિસમાં તાજેતરમાં ચોરીની ઘટના બની હતી. ત્રણ તસ્કરોએ ત્રણ ઓફિસના તાળા તોડી ઓફિસમાં મૂકેલા મોનિટર, CPU, સ્પીકર, 32 ઇંચનું ટીવી, અને ડ્રીલ મશીન મળી કુલ 55 હજારની મત્તા ચોરી કરી ફરાર થઇ ગયા હતા. ચોરીની આ ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી હતી. જેમાં ત્રણ તસ્કરો ચોરીની ઘટનાને અંજામ આપતા નજરે ચડયા હતા.
આ સમગ્ર મામલે ઓલપાડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. દરમ્યાન આ ગુનાનો ભેદ સુરત ગ્રામ્ય એલસીબી પોલીસે ઉકેલી કાઢ્યો છે અને બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે અજય રમેશભાઈ કોળી (ઉ.23) અને રોકી ઓમ પ્રકાશ ચૌધરી (ઉં.21) ને ઝડપી પાડ્યા છે જ્યારે વિજય દેવી પૂજક ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
આરોપીઓ ચોરી કરેલા કોમ્યુટર મશીનરીનો સમાન વેચાણ કરવા માટે સાયણ જતા હતા, ત્યારે પોલીસે વોચ ગોઠવી રસ્તામાં તેઓને પકડી પાડવામાં આવ્યા હતા. તેમજ તેઓએ ચોરી કરેલો અન્ય કોમ્યુટર મશીનરી સરસામાન ગોથાણ ગામે કચરાની ડમ્પિંગ સાઇટની બાજુમાં આવેલા ઝાડી ઝાંખરામાં સંતાડી રાખેલો હોય તે મુદામાલ પણ પોલીસે જપ્ત કર્યો હતો.
પોલીસે 4 નંગ કોમ્યુટર મોનીટર, એક કીબોર્ડ, એક સ્પીકર, પ્રિન્ટર ઝેરોક્ષ મશીન, એક ડ્રીલ મશીન, 32 ઇંચનું ટીવી, એક બાઇક, અને એક મોબાઇલ ફોન મળી કુલ 1,40,400 રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો હતો.
બનાવ અંગે ઓલપાડ પી.આઈ. સી.આર. જાદવએ જણાવ્યું કે, ગત 21 ફેબ્રુઆરીના રોજ ઓલપાડ પોલીસ મથકમાં એક ગુનો દાખલ થયો હતો. આ ગુનામાં 3 અજાણ્યા ઈસમોએ પરિયા ગામની સીમમાં અંજની ટેક્ષટાઇલ પાર્ક જેમાં સન સાઈન મેડિટેક છે તેમાં આવેલી ઓફિસમાં તાળા તોડી તેમાંથી 4નંગ મોનીટર, એક સીપીયુ, એક કીબોર્ડ, એક સ્પીકર, ઝેરોક્ષ મશીન આ બધું મળીને કુલ 55 હજારની ચોરી કરી હતી. આ બાબતે ઓલપાડ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. આ ઘટનામાં બે આરોપીઓને એલસીબી પોલીસની ટીમે ઝડપી પાડવામાં આવ્યા છે જ્યારે એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
