Surat: સુરતમાં વન વિભાગમાં ફરજ બજાવતા મહિલા ફોરેસ્ટ ઑફિસર (RFO)ને માથામાં ગોળી વાગી હોવાનો બનાવ સામે આવ્યો છે. હાલ તો તેમને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, સુરત વન વિભાગના ફરજ બજાવતા મહિલા RFO સોનલ સોલંકી કામરેજ-જોખા રોડ પર પોતાની કારમાંથી માથામાં ગોળી વાગેલી હાલતમાં લોહીલુહાણ મળી આવ્યા હતા. જેથી તાત્કાલિક તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
સોનલ સોલંકીને ગોળી કંઈ રીતે વાગી? તે હજુ સુધી જાણી શકાયું નથી. જ્યારે હોસ્પિટલમાં તબીબોએ સિટી સ્કેન કર્યો, ત્યારે મગજમાં ગોળી હોવાનું માલૂમ પડ્યું હતુ. આથી તબીબોએ તાત્કાલિક સર્જરી કરીને ગોળી કાઢી લીધી છે.
બીજી તરફ આ બનાવની જાણ થતાં જિલ્લા પોલીસ વડા સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. FSLની ટીમને પણ ઘટના સ્થળે બોલાવીને પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે.
આ અંગે સુરત જિલ્લા એસ.પી. રાજેશ ગઢીયાએ જણાવ્યું કે, સવારે કામરેજ પોલીસ સ્ટેશનમાં એક વર્દી મળી હતી. જેમાં જોખાવાવ રોડ પર એક ઝાડ સાથે ગાડી અથડાઈને અકસ્માત થયો હોવાનું જણાવાયું હતુ. આથી પોલીસની ટીમ ત્યાં પહોચી હતી. જેમાં RFO તરીકે ફરજ બજાવતા સોનલ સોલંકી લોહીલુહાણ મળી આવ્યા હતા. જેમને સુરત સીટીમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા એટલે પોલીસ ત્યાં પહોચી હતી ડોકટરે આગળની કાર્યવાહી ચાલુ કરી ત્યારે ડોક્ટરને અંદાજ આવ્યો કે કઈ શંકાસ્પદ છે અને એમના માથામાંથી બુલેટ મળી છે.
હાલ સોનલબેન સોલંકી હોસ્પિટલમાં એડમીટ છે અને તેમની સારવાર ચાલી રહી છે. આ ખૂબ જ ગંભીર મામલો છે એટલે એફએસએલ અધિકારી માઈક્રો લેવલે ચેક કરી રહ્યા છે.
