Aarti Sangani Protest in Surat: સુરતમાં રહેતી અને પાટીદાર સમાજની જાણીતી સિંગર આરતી સાંગાણીના આંતરજ્ઞાતીય પ્રેમલગ્નનો મામલો અત્યારે સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ લગ્ન બાદ પાટીદાર સમાજમાં વ્યાપેલો ભારે રોષ હવે આરતી સાંગાણીના જાહેર અને ખાનગી કાર્યક્રમોના વિરોધ સુધી પહોંચી ગયો છે. સુરતના મોટીવેડ વિસ્તારમાં આયોજિત એક કાર્યક્રમમાં આરતી સાંગાણી પહોંચે તે પહેલા જ ભારે વિરોધને પગલે આયોજકોએ કાર્યક્રમ રદ કરવાની ફરજ પડી હતી.
સિલ્વર ફાર્મમાં પાટીદાર યુવાનોનો હોબાળો
મળતી વિગતો અનુસાર, સુરતના મોટીવેડ સ્થિત સિલ્વર ફાર્મમાં સુરાણી પરિવાર દ્વારા એક લગ્નગીત (સીમંત કે લગ્ન પ્રસંગના ગીતો) ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સિંગર તરીકે આરતી સાંગાણીને નિમંત્રણ આપવામાં આવ્યું હતું. જોકે, આ વાતની જાણ થતા જ મોટી સંખ્યામાં પાટીદાર યુવાનો અને અગ્રણીઓ ફાર્મ હાઉસની બહાર એકઠા થઈ ગયા હતા અને કાર્યક્રમનો ઉગ્ર વિરોધ શરૂ કર્યો હતો.
સમાજ હિતમાં પરિવારે લીધો નિર્ણય
વિરોધની ગંભીરતા જોતા પાટીદાર આગેવાન મહેશ વાઘાણીએ આયોજક પરિવારને સમાજ હિતમાં આ કાર્યક્રમ રદ કરવા અથવા સિંગર બદલવા માટે અપીલ કરી હતી. પાટીદાર સમાજની લાગણી અને આક્રોશને માન આપીને સુરાણી પરિવારે તાત્કાલિક આરતી સાંગાણીનો કાર્યક્રમ રદ કરવાનો નિર્ણય લીધો હતો. આરતી સાંગાણી કાર્યક્રમ સ્થળે પહોંચે તે પહેલા જ આ જાહેરાત કરી દેવામાં આવી હતી.
આરતી સાંગાણીને બદલે ગીતા પટેલની એન્ટ્રી
સુરાણી પરિવારના સભ્ય ધર્મેશ સુરાણીએ આ મામલે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, "અમે સમાજની સાથે છીએ. જ્યારે અમને ખબર પડી કે સમાજમાં આ બાબતે આટલો મોટો વિરોધ છે, ત્યારે અમે તાત્કાલિક આરતી સાંગાણીને રદ કર્યા હતા અને તેમના સ્થાને સિંગર ગીતા પટેલને બોલાવવાનું નક્કી કર્યું હતું." આમ, પરિવારે વિવાદ ટાળવા માટે સમાજની વાતને પ્રાધાન્ય આપ્યું હતું.
વિવાદનું મૂળ: આંતરજ્ઞાતીય લગ્ન
ઉલ્લેખનીય છે કે, આરતી સાંગાણીએ તાજેતરમાં અન્ય જ્ઞાતિના યુવક સાથે પ્રેમલગ્ન કર્યા છે, જેને લઈને પાટીદાર સમાજના સોશિયલ મીડિયા ગ્રુપોમાં અને સંગઠનોમાં ભારે વિરોધ ચાલી રહ્યો છે. આ કિસ્સાએ સુરતમાં સામાજિક ગરમાવો વધારી દીધો છે. આગામી દિવસોમાં આરતી સાંગાણીના અન્ય કાર્યક્રમો પર પણ આવી અસરો જોવા મળે તેવી પૂરેપૂરી શક્યતા છે.
