મયુર ઠક્કર, સુરત: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 જૂન એટલે કે, આવતીકાલે વિશ્વ પર્યાવરણ દિવસના ખાસ અવસરે સુરત આવી રહ્યા છે. પીએમ મોદીના આગમનને હવે ગણતરીના કલાકો જ બાકી છે. ત્યારે સુરત શહેરમાં અભૂતપૂર્વ અને ભવ્ય સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું છે. આજે સુરતમાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલ તેમજ સુરત પોલીસ કમિશ્નર કચેરી ખાતે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પણ આ મેગા સફાઈ અભિયાનમાં જોડાયા હતા.
કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે કર્યું શ્રમદાન
કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલે સુરતના ભટાર વિસ્તારમાં આવેલા ઉમરાવ નગર ખાતે જાતે ઝાડું પકડીને સફાઈ કરી હતી અને જનમેદનીને પ્રોત્સાહિત કરી હતી. તેમની સાથે સ્થાનિક કોર્પોરેટરો અને ભાજપના અગ્રણી કાર્યકર્તાઓ જોડાયા હતા.
આ ઉપરાંત, સુરત પોલીસ પણ આ અભિયાનમાં પાછળ રહી નથી. સુરત પોલીસ કમિશ્નર કચેરી ખાતે પણ સઘન સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓથી લઈને કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
PM મોદીના આગમન અગાઉથી જ તૈયારીઓ
"પીએમ નરેન્દ્ર મોદી જ્યારે પણ કોઈ શહેરમાં વિઝીટ કરે છે, ત્યાં એક અઠવાડિયા પહેલા સફાઈ ઝુંબેશ થવી જોઈએ એવો એમનો આગ્રહ હોય છે. સુરત મનપાએ સ્વચ્છતામાં પહેલું બિરુદ પ્રાપ્ત કર્યું છે અને આ નંબર જાળવી રાખવા આવી ઝુંબેશો જરૂરી છે." -સી.આર. પાટીલ (કેન્દ્રીય જળ શક્તિ મંત્રી)
સી.આર. પાટીલે પીએમ મોદીના 2014ના 'સ્વચ્છ ભારત' વિઝનને યાદ કરતા જણાવ્યું કે, આજે દેશમાં 12 હજાર કરોડ જેટલા શૌચાલયો બન્યા છે જેનાથી ગ્રામીણ અને શહેરી વિસ્તારોનો નકશો બદલાયો છે. તેમણે બાળકોમાં આવેલી જાગૃતિના વખાણ કરતા સૌ નાગરિકોને અપીલ કરી કે સ્વચ્છતા માત્ર ઘર સુધી સીમિત ન રાખતા મહોલ્લા અને શહેર સુધી લંબાવવી જોઈએ.
સુરતના મુખ્ય સ્થળો અને ઓવારાઓ પર યુદ્ધના ધોરણે સફાઈ
સુરત મનપા કમિશનર એમ. નાગરાજન અને ડેપ્યુટી મેયર સુધાકર ચૌધરીના નેતૃત્વ હેઠળ શહેરના મહત્વના ધાર્મિક અને જાહેર સ્થળો પર સફાઈ કરવામાં આવી હતી:
- ડક્કા ઓવારા, રામજી ઓવારા (નાના વરાછા અને અડાજણ)
- અંબિકા નિકેતન ઓવારો અને કોઝવે-સિંગણપોર
- પુણા તળાવ રોડ, બમરોલી કુત્રિમ તળાવ અને પાલ તળાવ
- ખાડી એપ્રોચ રોડ-પર્વત ગામ
| સ્વચ્છતા અભિયાનના મુખ્ય પાસાઓ | આંકડાકીય વિગત |
| કુલ સહભાગી લોકોની સંખ્યા | 14,508 લોકો (13,562 નાગરિકો + 946 સફાઈકર્મી) |
| સાફ કરાયેલા રસ્તાઓ | આશરે 17.85 કિલોમીટર |
| સામાન્ય કચરાનો નિકાલ | 54.60 મેટ્રિક ટન |
| બાંધકામનો કચરો (C&D Waste) | 32.3 મેટ્રિક ટન |
| જપ્ત કરાયેલું સિંગલ યુઝ પ્લાસ્ટિક | 19.70 કિલો (રૂ. 22,100 નો દંડ) |
આ ઉપરાંત, ચોમાસા પહેલા શહેરમાં મેલેરિયા કે ડેન્ગ્યુ ન ફેલાય અને પાણીનો ભરાવો ન થાય, તે માટે સુરત મનપા દ્વારા આખા શહેરમાં 900 જેટલા જાગૃતિ કેમ્પ પણ કરવામાં આવ્યા છે, જેની સી.આર. પાટીલે વિશેષ પ્રશંસા કરી હતી.
આવતીકાલે પીએમ મોદીના સ્વાગત માટે સુરતના તમામ ફ્લાય ઓવર, અન્ડર બ્રીજ, એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ્સ અને નેશનલ હાઈવેને પણ સઘન રીતે સાફ કરીને સજ્જ કરી દેવામાં આવ્યા છે.
