Surat News: સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સોંદલાખારા ગામે ડુક્કરનો આતંક સામે આવ્યો છે. પશુ ચરાવવા ગયેલા યુવક પર ડુક્કરએ હુમલો કરતા હાથ અને પગના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી જેથી યુવકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સોંદલાખારા ગામે ખેડૂત પર ડુક્કરએ હુમલો કર્યો હતો. પશુ ચરાવવા ગયા હતા તે વેળાએ ત્યાં ડુક્કરએ હુમલો કરતા યુવક ઇજાગ્રસ્ત થયો હતો. યુવકના હાથ અને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી જેથી ખેડૂતને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાની ફરજ પડી હતી.
ગામના ઉપ સરપંચ સંજય ભાઈ પટેલએ જણાવ્યું હતું કે અમારા ગામમાં બે દિવસ પહેલા રાકેશ કુમાર કાંતિભાઈ પટેલ જેઓ પશુપાલન અને ખેતીવાડી સાથે સંકળાયેલા છે. તેઓ તેમના પશુઓને લઈને ચરાવવા માટે સીમમાં ગયા હતા ત્યારે દિવસના જ લગભગ બપોરે 12 થી 1 વાગ્યાના સમયગાળા દરમ્યાન ડુક્કરએ તેમના પર હુમલો કર્યો હતો અને બેથી ત્રણ જગ્યાએ બચકાં ભર્યા હતા એમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયા હતા. હાલ એમને સારું છે.
તેમણે વધુમાં જણાવ્યું છેકે, અહીં ડુક્કરનો ત્રાસ એટલો વધી ગયો છે કે રાતના ખેતર જવું હોય તો પણ તકલીફ પડે એવું છે. એકલા તો ખેતર હવે જવાતું જ નથી ડુક્કર માટે સરકાર યોગ્ય પગલાં લે તો સારું, હવે ખેતી કરવી પણ અઘરી છે. પશુઓને લઈને જવું પણ અઘરું છે. ખેતીમાં પણ પુષ્કળ પ્રમાણમાં નુકશાન છે. અને અમારે રાતના જવું હોય તો તકલીફ પડે છે એકલા ખેતરે જવાય એવું નથી એટલે બોવ તકલીફ વાળું કામ છે. સરકાર અહીંયા ડુક્કર માટે કોઈ પગલા લે તો સારું.
