Surat News:સુરત ગ્રામ્ય જિલ્લા એલસીબી પોલીસની ટીમે ટ્રકમાં ભરેલી સિમેન્ટનો જથ્થો ચોરી કરવાનું નેટવર્ક ઝડપી પાડ્યું છે. પોલીસે બે આરોપીઓને ઝડપી પાડી કુલ 15.65 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે. તેમજ સિમેન્ટની બેગો ચોરી કરાવી ચોરીનો માલ વેચાણ કરવાનું નેટવર્ક ચલાવનારને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ સુરત ગ્રામ્ય જિલ્લા એલસીબી પોલીસની ટીમે ઉંભેળ ગામની સીમમાં હરીપુરા પાટિયાથી હરીપુરા ગામ તરફ જવાના રોડ ઉપરથી ટ્રકમાં ભરેલી સિમેન્ટનો જથ્થો ચોરી કરવાનું નેટવર્ક ઝડપી પાડ્યું હતું. પોલીસને બાતમી મળી હતી કે સતુ મારવાડી નામનો ઇસમ તેના સાગરીતો મારફતે હાઈવે ઉપર સિમેન્ટની થેલીઓનો જથ્થો ભરીને લઇ જતા ટ્રકના ડ્રાઈવરો સાથે મળી ઉંભેળ ગામની સીમમાં નેશનલ હાઈવે રોડ નંબર ૪૮ ઉપર ટ્રકમાંથી સિમેન્ટની થેલીઓ ચોરી કરવાની પ્રવુતિ ચલાવે છે. બાતમીના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી
પોલીસે રેડ દરમ્યાન ટ્રક ચાલક હરીરામ ચંદ્રિકા યાદવ [ઉ.૩૮], ટેમ્પ ચાલક અભિનંદન કુમાર સીતારામ સૈની [ઉ.૨૦]ને ઝડપી પાડ્યા હતા. તેમજ સિમેન્ટની બેગો ચોરી કરાવી ચોરીનો માલ વેચાણ કરવાનું નેટવર્ક ચલાવનાર સત્યનારાયાણ શર્મા ઉર્ફે સતુને વોન્ટેડ જાહેર કર્યો હતો. આ કાર્યવાહી દરમ્યાન પોલીસે સિમેન્ટની થેલીઓ, ટેમ્પો, મોબાઈલ, ટ્રક સહીત કુલ ૧૫.૬૫ લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો અને પકડાયેલા આરોપીઓ અને મુદામાલ કામરેજ પોલીસને સોંપી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
