Surat: ઓલપાડમાં પગ લપસતા બીજા માળેથી પડેલા યુવકનું મોત, પત્નીએ ઉપર ખેંચવા જતાં હાથ છટકતાં પતિ ધડામ કરતો પટકાયો

યુવકે સંતુલન ગુમાવતા તે નીચે પડવા લાગ્યો હતો. આ સમયે તે ગેલેરીની સેફ્ટી ગ્રીલ પકડીને લટકી ગયો અને બચાવવા માટે બૂમો પાડતા પત્ની દોડી આવી.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 24 Oct 2025 12:21 AM (IST)Updated: Fri, 24 Oct 2025 12:21 AM (IST)
surat-news-man-fall-from-second-floor-galary-and-dead
HIGHLIGHTS
  • નવા વર્ષની પ્રથમ રાતે બનેલા બનાવથી પરિવારમાં કલ્પાંત

Surat: સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કુડસડ ગામે નવા વર્ષના પ્રથમ દિવસે જ એક આઘાતજનક ઘટના સામે આવી છે. જેમાં એક યુવકનો પગ લપસતા તે બીજા માળની ગેલેરીમાંથી નીચે પટકાઈને મોતને ભેટ્યો છે. આ સમગ્ર ઘટના નજીકના CCTCVમાં કેદ થઈ ગઈ છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, મૂળ ઓડિશાના ગંજામ જિલ્લાનો વતન તોફાન અભિ નાહક (ઉં.વ.35) હાલ ઓલપાડ તાલુકાના કુડસડ ગામની ચિરાગ રેસિડન્સીમાં પોતાની પત્ની સાથે રહેતો હતો.

ગઈકાલે નવા વર્ષની પ્રથમ રાતે 9 વાગ્યાની આસપાસ તોફાન અભિ નાહક પોતાના મકાનની બીજા માળની ગેલેરીમાં હતો, ત્યારે પગ લપસતા તેણે સંતુલન ગુમાવતા નીચે પડવા લાગ્યો હતો. આ સમયે યુવકે ગેલેરીની સેફ્ટી ગ્રીલ પકડીને લટકી ગયો હતો અને બચાવવા માટે બૂમો પાડવા લાગ્યો હતો.

પતિની બૂમો સાંભળીને તેની પત્ની પિન્કી દોડી આવી હતી. જેણે તરત જ સેફ્ટી ગ્રીલ પકડીને લટકી રહેલા પતિનો હાથ પકડીને તેને ઉપર ખેંચવાનો પ્રયાસ કર્યો હતો. જો કે યુવકને સહેજ ઉપર ખેંચતા જ પત્નીના હાથમાંથી છટકી ગયો હતો અને ધડામ કરતો નીચે પટકાયો હતો.

આટલી ઊંચાઈથી નીચે પટકાવાથી યુવકને માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. આ બાબતની જાણ થતાં કિમ પોલીસ અને 108ની એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. જ્યાં 108ના EMTએ તપાસીને તોફાન અભિ નાહકને મૃત જાહેર કરતાં પત્ની સહિત પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતુ. હાલ તો પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.