સુરતના કોટ વિસ્તારમાં ફ્લશિંગ કામગીરી વેળા મુખ્ય પાણીની લાઈન તૂટી, માર્ગ બેસી જતા પાણી ફરી વળ્યું

ગઈકાલે મોડી રાત્રે ચાલી રહેલી આ હાઈ-પ્રેશર ફ્લશિંગ કામગીરી વેળા અચાનક અંદરથી લાઈન તૂટી પડતા જમીનનું ભારે ધોવાણ થયું હતું અને ડામરનો રસ્તો ધસી પડ્યો હતો.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Tue, 06 Oct 2026 02:38 PM (IST)Updated: Tue, 06 Oct 2026 02:38 PM (IST)
surat-news-main-water-pipeline-bursts-in-kot-area-road-gets-flooded

Surat News: સુરત શહેરના કોટ વિસ્તારમાં તાપીપુરા નજીક આઈ.પી. મિશન સ્કૂલ પાસે સુરત મહાનગરપાલિકાના હાઈડ્રોલિક વિભાગ દ્વારા હાથ ધરાયેલી મુખ્ય પાણીની લાઈનની ફ્લશિંગ (સફાઈ) કામગીરી દરમિયાન ગઈકાલે મોડી રાત્રે અંદરથી પાઈપલાઈન તૂટી જવાની મોટી ઘટના બની હતી. લાઈન તૂટવાને કારણે માર્ગનો એક મોટો હિસ્સો અચાનક બેસી ગયો હતો, જેના પગલે મુખ્ય માર્ગ પર પાણી ફરી વળ્યું હતું.

મળતી માહિતી મુજબ, કોટ વિસ્તારમાં લાંબા સમયથી પ્રવર્તતી ઓછા પ્રેશરથી પાણી મળવાની નાગરિકોની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા માટે મનપા દ્વારા આઈ.પી. મિશન સ્કૂલની સામે નવી પાણીની ટાંકી તૈયાર કરવામાં આવી છે. આ નવી ટાંકીમાંથી જળ વિતરણ વ્યવસ્થા સત્તાવાર રીતે કાર્યરત કરતા પૂર્વે પાઈપલાઈનોને શુદ્ધ અને કચરામુક્ત કરવા માટે ફ્લશિંગ પ્રક્રિયા કરવામાં આવી રહી હતી. ગઈકાલે મોડી રાત્રે ચાલી રહેલી આ હાઈ-પ્રેશર ફ્લશિંગ કામગીરી વેળા અચાનક અંદરથી લાઈન તૂટી પડતા જમીનનું ભારે ધોવાણ થયું હતું અને ડામરનો રસ્તો ધસી પડ્યો હતો.

ઘટનાની જાણ થતાં જ સુરત મહાનગરપાલિકાની હાઈડ્રોલિક અને ઝોનલ ટીમો તાત્કાલિક ધોરણે સ્થળ પર દોડી આવી હતી. નાગરિકોની સલામતી અને અકસ્માત ટાળવા માટે તંત્ર દ્વારા ત્વરિત પગલાં રૂપે ક્ષતિગ્રસ્ત માર્ગની આસપાસ બેરિકેડિંગ કરી દેવામાં આવ્યું હતું. આ સાથે જ મુખ્ય વાલ્વ બંધ કરીને રસ્તા પર વહેતું પાણી રોકવામાં આવ્યું હતું અને રાતોરાત પાઈપલાઈનનું રિપેરિંગ કાર્ય યુદ્ધના ધોરણે શરૂ કરી દેવાયું હતું. હાલ તંત્ર દ્વારા ક્ષતિગ્રસ્ત લાઈનનું સમારકામ પૂર્ણ કરી વિસ્તારમાં જળ પુરવઠો ઝડપથી પૂર્વવત કરવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.