Surat News: સુરતીઓમાં વેકેશન દરમિયાન પ્રકૃતિના ખોળે અને જંગલની વચ્ચે સમય વિતાવવાનો નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી જંગલ સફારીનો રોમાંચ માણવા માટે સાસણ-ગીર કે ડાંગ તરફ જવાનું પસંદ કરતા પ્રવાસીઓ માટે હવે સુરતથી નજીક જ એક નવું આકર્ષણ ઊભું થયું છે. માંડવી તાલુકામાં આવેલી સુપ્રસિદ્ધ કેવડી ઇકો-ટૂરિઝમ સાઇટ ખાતે વન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતની પ્રથમ જંગલ સફારી શરૂ કરવામાં આવી છે. સફારી શરૂ થતાં જ પ્રવાસીઓનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. શરૂઆતના માત્ર ત્રણ દિવસમાં જ અંદાજે 250 પ્રવાસીઓએ આ જંગલ સફારીનો આનંદ માણ્યો છે.
2,300 હેક્ટરના ગાઢ જંગલમાં 5 કિલોમીટરની રોમાંચક સફર
સુરતથી આશરે 80 કિલોમીટરના અંતરે આવેલા કેવડીમાં 2,300 હેક્ટર વિસ્તારમાં ગાઢ જંગલ ફેલાયેલું છે. અહીં પ્રવાસીઓ માટે ખાસ મોડિફાઇડ 8 સીટર ઓપન સફારી વાહન એટલે કે જીપ્સીની વ્યવસ્થા કરવામાં આવી છે. આ જીપ્સીમાં બેસીને પ્રવાસીઓ કેવડીથી જંગલની અંદર આવેલા રાજાટાકા સુધીના આશરે 5 કિલોમીટરના નેચરલ ટ્રેક પર સફારીનો રોમાંચ માણી શકે છે. આ સફર દરમિયાન પ્રવાસીઓને જંગલની સમૃદ્ધ જૈવવિવિધતા અને વન્યજીવનને નજીકથી નિહાળવાની તક મળી રહી છે. ખાસ કરીને ઝરખ અને ઉડતી ખિસકોલી સહિતના વન્યજીવો અહીંના મુખ્ય આકર્ષણ બની રહ્યા છે. કુદરતી વાતાવરણ, ગાઢ વૃક્ષો અને જંગલના નયનરમ્ય દૃશ્યો પ્રવાસીઓ માટે યાદગાર અનુભવ બની રહ્યા છે. આમ, વેકેશનમાં પરિવાર સાથે કુદરતની નજીક સમય વિતાવવા ઇચ્છતા સુરતીઓ માટે કેવડી ઇકો-ટૂરિઝમ સાઇટ નવું આકર્ષણ બની રહી છે.
મોબાઇલ નેટવર્ક નહીં, એટલે ડિજિટલ ડિટોક્સનો પણ અનુભવ
કેવડી ઇકો-ટૂરિઝમ સાઇટ પર અગાઉ પ્રવાસીઓ માટે નાઇટ હોલ્ટ અને ડે-પિકનિક જેવી સુવિધાઓ ઉપલબ્ધ હતી. જોકે, હવે ઓપન જીપ્સી સફારી શરૂ થતાં આ સ્થળના પ્રવાસન ક્ષેત્રે નવો અધ્યાય ઉમેરાયો છે.
આ સ્થળની એક ખાસિયત એ પણ છે કે જંગલ વિસ્તારમાં મોબાઇલ નેટવર્ક ઉપલબ્ધ નથી. પરિણામે પ્રવાસીઓ મોબાઇલ અને સોશિયલ મીડિયાની દુનિયાથી દૂર રહીને કુદરતની વચ્ચે સમય વિતાવી શકે છે. આજના ડિજિટલ યુગમાં આ અનુભવ પ્રવાસીઓ માટે અનોખા 'ડિજિટલ ડિટોક્સ' સમાન બની રહ્યો છે.
સુરતના જંગલોની સમૃદ્ધિથી લોકોને પરિચિત કરાવવાનો પ્રયાસ
આ અંગે સુરતના નાયબ વન સંરક્ષક (DFO) ધીરજ કુમારે જણાવ્યું હતું કે, તેઓ સુરતમાં આવ્યા ત્યારથી અનેક લોકો તેમને એક જ સવાલ પૂછતા હતા કે સુરતમાં જંગલ પણ છે ખરું? સામાન્ય રીતે સુરતની ઓળખ ડાયમંડ અને ટેક્સટાઇલ ઉદ્યોગથી છે, પરંતુ સુરત અને આસપાસના વિસ્તારમાં અત્યંત સમૃદ્ધ જંગલ વિસ્તાર પણ આવેલો છે. વન વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલી આ સફારીનો મુખ્ય હેતુ લોકોને સુરતના બાયોડાયવર્સ ફોરેસ્ટ અને વાઇલ્ડલાઇફનો પરિચય કરાવવાનો છે. લોકો આ સફારીના માધ્યમથી અહીંની પ્રાકૃતિક સંપત્તિ અને વન્યજીવનને નજીકથી અનુભવી શકશે. સાથે જ આવનારી પેઢીને પણ સુરતમાં આટલું સુંદર અને સમૃદ્ધ જંગલ આવેલું છે તેની જાણકારી મળશે.
સફારીનું ભાડું અને બુકિંગની વિગતો
કેવડી ઇકો-ટૂરિઝમ સાઇટ ખાતે પ્રવાસીઓ માટે દરરોજ ત્રણ અલગ-અલગ સ્લોટમાં જંગલ સફારીની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સફારીનું ભાડું દિવસ પ્રમાણે નક્કી કરવામાં આવ્યું છે.
સોમવારથી શુક્રવાર: એક જીપ્સીનું ભાડું રૂ. 3,500 (8 વ્યક્તિના ગ્રુપ માટે વ્યક્તિદીઠ આશરે રૂ. 438).
શનિવાર અને રવિવાર: એક જીપ્સીનું ભાડું રૂ. 5,000 (8 વ્યક્તિના ગ્રુપ માટે વ્યક્તિદીઠ રૂ. 625).
ક્ષમતા: એક ઓપન સફારી જીપ્સીમાં 8 પ્રવાસીઓ.
સફારી રૂટ: કેવડીથી રાજાટાકા સુધી આશરે 5 કિલોમીટર.
પ્રવાસીઓ કેવડી ઇકો-ટૂરિઝમની સત્તાવાર વેબસાઇટ પરથી ઓનલાઇન બુકિંગ કરાવી શકે છે. ખાસ વાત એ છે કે અહીં સફારીની સાથે પરિવાર અને મિત્રો સાથે રોકાણ માટે ટ્રી-હાઉસ, ઇગ્લૂ અને કોટેજ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે.
