Surat Rain: લાંબા વિરામના અંતે સુરતમાં મેઘરાજાએ તોફાની એન્ટ્રી કરી છે. ગઈકાલે રાતથી જ સુરત શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે, ત્યારે અનેક ઠેકાણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.
કિમ જળબંબોળઃ મંદિરોમાં અને લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા
સુરત જિલ્લામાં પણ આજે વહેલી સવારથી મેઘરાજા મનમૂકીને વરસ્યા હતા. પ્રથમ વરસાદમાં જ વહીવટી તંત્રનો પ્રી-મોન્સૂન પ્લાન ધોવાઈ ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. જેમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી હતી.
કીમ વિસ્તારની વાત કરીએ તો, ભારે વરસાદના કારણે અહીંની સાધના હોસ્પિટલ બહાર પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ ઉપરાંત કીમના જાણીતા હરેશ્વર મહાદેવ મંદિર અને રાધા ક્રિષ્ના મંદિરમાં પણ વરસાદના પાણી ફરી વળ્યા હતા. આવી જ રીતે વિસ્તારના રાધા ક્રિષ્ના મંદિરમાં પણ ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા.
એકધારા પડેલા મુશળધાર વરસાદના કારણે કીમના નીચાણવાળા વિસ્તારોમાં પણ રસ્તા પરથી નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. અહીંના અમૃતનગર, શિવાજીનગર, નવજીવન સોસાયટીમાં તો લોકોના ઘરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા.

40 કિ.મી. ઝડપની પવન સાથે 2 કલાકમાં 4 ઈંચ વરસાદથી શહેર આખું પાણીમાં, વિઝિબિલિટી ઝીરો થઈ ગઈ, આજે પણ એલર્ટ, વરાછા, કતારગામ, અડાજણ, વેસુ, અલથાણ, પાંડેસરા સહિત મોટાભાગના વિસ્તારમાં વાહન વ્યવહાર ઠપ્પ,શહેરમાં અડધાથી 2 ફૂટ પાણી ભરાયા, રસ્તા પર નદીઓ વહી, ઘરોમાં પાણી ઘૂસ્યા, 41 ઝાડ અને હોર્ડિંગ્સ, લાઈટપોલ તૂટી પડ્યા, અનેક વાહનોને નુકસાન
સુરતમાં સાર્વત્રિક વરસાદ, ઠેર-ઠેર ટ્રાફિક જામ
આજે સુરતમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જેમાં શહેરમાં સૌથી વધુ 61 મિ.મી (2.4 ઈંચ) વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના પગલે રોડ પર પાણી ભરાઈ જતાં અનેક ઠેકાણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. આ સિવાય જિલ્લાના તાલુકામાં વરસાદની વિગતો જોઈએ તો, કામરેજમાં 60 મિ.મી (2.3 ઈંચ), પલસાણામાં 45 મિ.મી (1.7 ઈંચ), મહુવામાં 37 મિ.મી (1.4 ઈંચ), બારડોલીમાં 36 મિ.મી (1.4 ઈંચ), ઓલપાડમાં 35 મિ.મી (1.3 ઈંચ), અંબિકામાં 34 મિ.મી (1.3 ઈંચ), ચોર્યાસીમાં 33 મિ.મી (1.3 ઈંચ), માંગરોળમાં 30 ઈંચ (1.18 ઈંચ) વરસાદ વરસ્યો છે. જ્યારે આખા દિવસમાં સૌથી વધુ વરસાદ 93 મિ.મી (3.6 ઈંચ) વરસાદ નોંધાયો છે.
