Surat Dussehra 2026: દશેરા પહેલાં સુરત આરોગ્ય વિભાગ એક્શન મોડમાં, ફાફડા-જલેબીના નમુના લેવાયા

આ તહેવાર ટાણે નાગરિકોના સ્વાસ્થ્ય સાથે કોઈ ચેડાં ન થાય તે માટે સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ પણ એક્શન મોડમાં આવી ગયું છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Sun, 18 Oct 2026 01:14 PM (IST)Updated: Sun, 18 Oct 2026 01:14 PM (IST)
surat-news-health-department-collects-fafdajalebi-samples-ahead-of-dussehra

Surat News: દશેરાના પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને દશેરાના દિવસે ફાફડા જલેબીનું ખુબ મોટા પ્રમાણમાં વેચાણ થાય છે ત્યારે સુરતમાં આરોગ્ય વિભાગના ફૂડ સેફટી ઓફિસરો દ્વારા ફરસાણ વિક્રેતાઓને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી છે, ફૂડ સેફટી ઓફિસરો દ્વારા ફાફડા જલેબીના નમુના લઈને પુથ્થકરણ માટે મોકલી આપવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

વિજયાદશમી (દશેરા)ના પવિત્ર તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે સુરતીઓ માટે ફાફડા અને જલેબીની જયાફત માણવાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ તહેવાર ટાણે નાગરિકોના સ્વાસ્થ્ય સાથે કોઈ ચેડાં ન થાય તે માટે સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ પણ એક્શન મોડમાં આવી ગયું છે. આરોગ્ય વિભાગની ટીમોએ શહેરના વિવિધ વિસ્તારોમાં ફાફડા અને જલેબીના વિક્રેતાઓને ત્યાં તપાસ હાથ ધરી હતી. આરોગ્ય વિભાગની સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન ફાફડા, જલેબી, તળવાના તેલ સહિતના ખાદ્યપદાર્થોના નમૂનાઓ એકત્ર કરવામાં આવ્યા હતા.

આ તમામ નમૂનાઓને ચકાસણી અર્થે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. ફૂડ સેફટી ઓફિસર કામાક્ષીબેન સેલરએ જણાવ્યું હતું કે ફાફડા અને જલેબીના ઉપરાંત ચટણી અને તેલ અને ફાફડા જલેબીમાં વપરાતા રો મટીરીયલના નમુના લેવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, રીપોર્ટમાં કોઈ ક્ષતી આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.