Gold ATM: આપણે સૌ કોઈએ બેંકના ATM તો જોયા જ હશે. જેમાં કાર્ડ નાંખ્યા બાદ તમે ગમે તે ઘડીએ તમારા બેંક એકાઉન્ટમાં રહેલા પૈસા નીકાળી શકો છે. બેંકના ATM બાદ અલગ-અલગ પ્રકારના અનેક ATM ઠેક-ઠેકાણે લગાવવામાં આવ્યા છે. જેમ કે સેનેટરી પેડ ATM અને વૉટર ATM વગેરે. જો કે તમે ક્યારેય ગોલ્ડ ATM જોયું છે. મોટાભાગના લોકોનો જવાબ ના જ હશે. એવામાં તમારે ગોલ્ડ ATM જોવા માટે સુરત જવું જ રહ્યું. હકીકતમાં સુરતમાં ગોલ્ડ સિક્કા કંપની સાથે મળીને ગોલ્ડ ATM લૉન્ચ કરવામાં આવ્યું છે. જેમાં તમે 24 કલાકમાં ગમે તે ઘડીએ 1 ગ્રામથી માંડીને 25 ગ્રામ સુધીના સોના કે ચાંદીના સિક્કાની ખરીદી કરી શકો છો.
આ અંગે વિગતો આપતા ડી. ખુશાલદાસ જ્વેલર્સના માલિક દિપક ચોક્સીએ જણાવ્યું કે, આપણા દેશમાં વિવિધ પ્રસંગોમાં સોના-ચાંદીના સિક્કા ભેટ આપવાની પ્રથા છે. જો કે ઘણી વખત વહેલી સવારે કે રાતના સમયે સોનીની દુકાનો બંધ હોય, ત્યારે સોના-ચાંદીના સિક્કાની ખરીદી થઈ શકતી નથી.
મારા પિતાનું સપનું હતું કે, લોકો ખૂબ જ સરળતાથી સોના-ચાંદીની ખરીદી કરી શકે. આ માટે જ અમે ગોલ્ડ ATM ગોઠવી રહ્યા છીએ, જેથી લોકો પોતાના ATM કાર્ડ કે UPI થકી 24 કલાકમાં ગમે તે ઘડીએ સોનું કે ચાંદી સરળતાથી ખરીદી શકે.
બીજી તરફ ગોલ્ડ સિક્કાના ચીફ ગવર્નન્સ ઑફિસર પ્રતાપભાઈએ જણાવ્યું કે, આ 600 કિલો વજન ધરાવતા આ ગોલ્ડ ATMમાં સુરક્ષા માટે અનેક કેમેરા લગાવવામાં આવ્યા છે. જેમાં કોઈ પણ ટેમ્પરિંગ શક્ય જ નથી. આટલું જ નહીં, આંતરરાષ્ટ્રીય સ્તરે સોનાના ભાવમાં થતા ફેરફાર પ્રમાણે ગોલ્ડ ATMની સ્ક્રીન પર પણ તરત જ ભાવમાં ફેરફાર થઈ ઝશે.
જણાવી દઈએ કે, આજથી 3 વર્ષ અગાઉ હૈદરાબાદના બેગમપેટ સ્થિત ગોલ્ડ સિક્કા કંપનીના હેડ ક્વાર્ટરમાં પ્રથમ ગોલ્ડ ATM ઈન્સ્ટોલ કરવામાં આવ્યું હતુ.
કંપનીનું કહેવું છે કે, જો કોઈ ગ્રાહક દ્વારા ટ્રાન્જેક્શન કરવાથી પૈસા કપાઈ જાય, પરંતુ ગોલ્ડ કૉઈન નથી નીકળતો, તો ચિંતા કરવાની જરૂર નથી. ગ્રાહકને 24 કલાકમાં તેના કપાયેલા પૈસા તેના ખાતામાં મળી જશે. આ સિવાય જો કોઈ ગ્રાહકને સમસ્યા હોય, તો પછી તે કંપનીના હેલ્પલાઈન નંબર પર પણ કૉલ કરી શકો છો.
