Surat News:ગણેશોત્સવ એ માત્ર ભક્તિ અને શ્રદ્ધાનો તહેવાર નથી, પરંતુ સમાજમાં સકારાત્મક વિચારો અને માનવતાનો સંદેશ જન-જન સુધી પહોંચાડવાનું એક સશક્ત માધ્યમ પણ છે. આ ઉમદા હેતુ સાથે ડોનેટ લાઈફ અને વાસ્તવ ગ્રુપ દ્વારા અંગદાન... જીવનદાનની થીમ પર એક અનોખા ગણેશ પંડાલનું નિર્માણ કરવામાં આવ્યું છે.
પૌરાણિક માન્યતા મુજબ, પૃથ્વી પર સૌપ્રથમ અંગ પ્રત્યારોપણ ભગવાન શ્રી ગણેશજીનું થયું હતું. તેથી ગણેશોત્સવ કરતાં વધુ પવિત્ર અવસર અંગદાનનો સંદેશ આપવા માટે બીજો કોઈ હોઈ શકે નહીં. તા. ૧૪ થી ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૬ દરમિયાન, બેજનવાલા કોમ્પ્લેક્સ પાસે, તાડવાડી ચાર રસ્તા, રાંદેર રોડ, સુરત ખાતે આ પંડાલને ખાસ રીતે શણગારવામાં આવ્યો છે, જેથી બાપ્પાના દર્શને આવતા હજારો શ્રદ્ધાળુઓમાં અંગદાન અંગે જનજાગૃતિ ફેલાય.
આ પંડાલ આકર્ષક પોસ્ટર્સ, પ્રેરણાદાયી સત્ય ઘટનાઓ અને સંદેશાઓ દ્વારા એક જ સંદેશ આપે છે કે મૃત્યુ બાદ પણ આપણા અંગો કોઈ જરૂરિયાતમંદ માટે નવા જીવનની આશા બની શકે છે. એક બ્રેઈનડેડ વ્યક્તિના અંગદાનથી ૮ થી ૯ લોકોને નવજીવન મળી શકે છે.
આ થીમમાં અંગદાનની સમગ્ર જીવનદાયી સફરને જીવંત રીતે રજૂ કરવામાં આવી છે - જેમાં બ્રેઈનડેડ વ્યક્તિના પરિવારજનોનું કાઉન્સેલિંગ કેવી રીતે કરવામાં આવે છે, પરિવારની સંમતિ બાદ અંગદાતાને સન્માનપૂર્વક ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય કેવી રીતે આપવામાં આવે છે, તથા ગ્રીન કોરિડોરના માધ્યમથી દાનમાં મળેલા અંગોને સમયસર એક શહેરથી બીજા શહેરમાં પહોંચાડીને જરૂરિયાતમંદ દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરવાની પ્રક્રિયા કેવી રીતે પૂર્ણ થાય છે, તે દર્શાવવામાં આવ્યું છે.
આ ઉપરાંત, સુરત શહેરની અંગદાન ક્ષેત્રની ઐતિહાસિક સફર અને મહત્વના માઈલસ્ટોન્સ પણ વિશેષરૂપે પ્રદર્શિત કરવામાં આવ્યા છે, જેથી દરેક મુલાકાતી જાણી શકે કે અંગદાનના આ માનવતાના મહાયજ્ઞમાં સુરતે કેવી રીતે નોંધપાત્ર યોગદાન આપીને “ઓર્ગન ડોનર સિટી” તરીકે પોતાની આગવી ઓળખ ઊભી કરી છે.
ડોનેટ લાઈફ સંસ્થા છેલ્લા ૨૧ વર્ષથી અંગદાન અંગે અવિરત જનજાગૃતિનું કાર્ય કરી રહી છે. સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં કુલ ૧૪૦૦ અંગો અને ટીસ્યુઓનું દાન કરાવવામાં આવ્યું છે, જેના થકી ૧૨૯૦ થી વધુ લોકોને નવું જીવન મળ્યું છે.
ડોનેટ લાઈફના સંસ્થાપક અને પદ્મશ્રીથી સન્માનિત નિલેશ માંડલેવાલાએ જણાવ્યું હતું કે, “ડોનેટ લાઈફનું મિશન છે કે વર્ષ 2047માં જ્યારે આપણો દેશ આઝાદીની શતાબ્દીની ઉજવણી કરે, ત્યારે દેશમાં કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ અંગ ન મળવાના કારણે ન થાય. આ ગણેશોત્સવ દરમિયાન લાખો યુવાનોને ‘અંગદાન... જીવનદાન...’ નો સંદેશ આપીને અંગદાનના આ પવિત્ર કાર્યમાં જોડવામાં આવશે.
આ પ્રસંગે ડોનેટ લાઈફ અને વાસ્તવ ગ્રુપ સૌ શહેરીજનોને અપીલ કરે છે કે, પંડાલની મુલાકાત લો, બાપ્પાના આશીર્વાદ લો અને સાથે-સાથે અંગદાનનો સંકલ્પ પણ લો.
