Surat News:હજીરા બોટ પોઇન્ટ ઓવરા ખાતે ભક્તિભાવપૂર્વક ગણેશજીનું વિસર્જન કરતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી

Surat News:સુરત શહેર સહિત સમગ્ર ગુજરાતમાં ધામધૂમથી ઊજવાયેલા ગણેશોત્સવ બાદ ભાવસભર અને આસ્થાપૂર્વકના માહોલમાં ભગવાન ગણેશજીની વિસર્જન યાત્રા યોજાઈ હતી.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Fri, 25 Sep 2026 11:43 PM (IST)Updated: Fri, 25 Sep 2026 11:43 PM (IST)
surat-news-deputy-chief-minister-harsh-sanghavi-performing-the-immersion-of-lord-ganesha-with-devotion-at-hazira-boat-point-ovra

Surat News:સુરત શહેર સહિત સમગ્ર ગુજરાતમાં ધામધૂમથી ઊજવાયેલા ગણેશોત્સવ બાદ ભાવસભર અને આસ્થાપૂર્વકના માહોલમાં ભગવાન ગણેશજીની વિસર્જન યાત્રા યોજાઈ હતી. હજીરા સ્થિત બોટ પોઇન્ટ ઓવારા ખાતે રાધાકૃષ્ણ ગ્રુપ અને સ્થાનિક કાર્યકર્તાઓ દ્વારા આયોજિત સુચારુ વિસર્જન વ્યવસ્થા દરમિયાન ઉપસ્થિત રહીને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સૌ ગણેશ ભક્તો, મંડળો અને સેવાભાવી કાર્યકર્તાઓના સમર્પણને બિરદાવ્યું હતું. આ વેળાએ નાયબ મુખ્યમંત્રીએ સૌ ગણેશ ભક્તો સાથે ગણેશજી પ્રતિમાનું વિસર્જન કર્યું હતું.

આ અવસરે નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, સુરતમાં શેરીઓ, ઘરો અને મુખ્ય માર્ગો પર વડીલો, યુવાનો અને બાળકોએ સાથે મળીને એક કૌટુંબિક ઉત્સવની જેમ બાપ્પાનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું. સુરતમાં ગણેશ સ્થાપના અને ઉત્સવનો જે અદભુત માહોલ જોવા મળ્યો છે, તે મુંબઈ જેવા મોટા શહેરોની સમકક્ષ રહ્યો છે.

વિસર્જન પ્રસંગે નાયબ મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું હતું કે ગણેશોત્સવ માત્ર ધાર્મિક આસ્થા પૂરતો સીમિત ન રહેતા સુરતના હજારો મંડળોએ રક્તદાન કેમ્પ, વૃદ્ધો અને દિવ્યાંગો માટે સહાયતા કેમ્પ તેમજ યુવાધનને નશા મુક્ત કરવા જેવા વિવિધ સામાજિક અને સેવાના ઉત્તમ કાર્યો કર્યા છે. આ ગણેશ ઉત્સવના આ ૧૦ દિવસો સમાજને બાકીના ૩૫૫ દિવસ સુધી સામાજિક સમરસતા, માતા-પિતા અને વૃદ્ધોની સેવા તેમજ ધાર્મિક નિષ્ઠા જાળવી રાખવાની પ્રેરણા આપે છે.

હર્ષ સંઘવીએ હજીરાના બોટ પોઇન્ટ ઓવારા ખાતે મૂર્તિ વિસર્જનની સુચારુ અને આસ્થાપૂર્વકની વ્યવસ્થા બદલ રાધાકૃષ્ણ ગ્રુપ અને તેની ટીમના ભક્તિપૂર્ણ સમર્પણની પ્રશંસા કરી હતી. આ સાથે જ, વિસર્જન યાત્રા તેમજ સમગ્ર ઉત્સવ દરમિયાન શાંતિ, સુરક્ષા અને સુવ્યવસ્થા જાળવવા માટે રાત-દિવસ ખડેપગે સેવા આપનાર સુરત પોલીસ વિભાગનો પણ વિશેષ આભાર માન્યો હતો. ભાદરવી પૂનમના અંબાજી મેળાથી લઈને સુરત, અમદાવાદ અને વડોદરા જેવા શહેરોમાં ગણેશોત્સવ દરમિયાન કડક સુરક્ષા અને સુવ્યવસ્થા જાળવનારા પોલીસ જવાનોની નિષ્ઠાને તેમણે હૃદયપૂર્વક બિરદાવી હતી.

વિસર્જન યાત્રા દરમિયાન નાના બાળકોથી લઈને મોટેરાઓ સુધી સમગ્ર સમાજનો ગણેશજી પ્રત્યેનો અગાધ પ્રેમ અને ભક્તિભાવ છલકાતો હતો. હાથમાં અબિલ-ગુલાલ, મુખે 'ગણપતિ બાપા મોરિયા, અગલે બરસ તૂ જલ્દી આ'ના નાદ અને અશ્રુભીની આંખો સાથે બાળકોથી લઈને વડીલો સુધીના તમામ નગરજનોએ વહાલા વિઘ્નહર્તાને કૌટુંબિક સભ્યની જેમ જ ભાવુક થઈ વિદાય આપી હતી. આ પ્રસંગે ધારાસભ્ય મુકેશ પટેલ સહિત રાધાકૃષ્ણ ગ્રુપના કાર્યકરો, ગણેશભક્તો ઉપસ્થિત રહ્યા હતા.