Surat: ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા, હથિયારો સાથે રિઢા ગુનેગારને ઝડપી પાડ્યો

આરોપી પાસેથી દેશી હાથ બનાવટની બે રિવોલ્વર, એક તમંચો તેમજ 6 જીવતા કાર્ટીઝ કબજે કર્યા, આર્મ્સ એક્ટનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 16 Oct 2024 06:57 PM (IST)Updated: Wed, 16 Oct 2024 06:57 PM (IST)
surat-news-crime-branch-held-accused-with-weapons-case-regd-under-arms-act

Surat: સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે એક રીઢા ગુનેગારને હથીયાર સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી દેશી હાથ બનાવટની બે રિવોલ્વર, એક તમંચો તેમજ 6 જીવતા કાર્ટીઝ કબજે કર્યા હતા અને આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

સુરત ક્રાઈમબ્રાંચની ટીમે અઠવા તાપી નદીના કિનારે શનિવારી બજાર ડક્કા ઓવારા પાસે આવેલા વડકપ ભૂત બંગલા નજીકથી આરોપી જીતુ ઉર્ફે જીતુ બિલ્લો આલજીભાઈ રાઠોડ [ઉ.25]ને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી પાસેથી હાથ બનાવટની દેશી રિવોલ્વર 2 નંગ, એક દેશી તમંચો તથા 6 નંગ જીવતા કાર્ટીઝ મળી કુલ 55,600 રૂપિયાના હથીયારો કબજે કર્યા હતા. પોલીસે આરોપી સામે આર્મ્સ એક્ટનો ગુનો નોંધી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આરોપીની પ્રાથમિક પૂછપરછ દરમિયાન સામે આવ્યું હતું કે તે અને તેનો મિત્ર નિલેશ વળવી તાપી નદીમાં શ્રીફળ, ચૂંદડી, સિક્કાઓ અને ભંગાર વીણવાની મજૂરી કામ કરતા હતા તેઓને આશરે બે મહિના પહેલા તાપી નદીમાં ભંગાર વીણવા જતી વખતે એક થેલીમાં આ હથિયારો મળી આવ્યા હતા જે હથિયારો તેણે ડક્કા ઓવારા પાસે આવેલા વડકપ ભુત બંગલામાં સંતાડીને મૂકી રાખ્યા હતા. પરંતુ પંદરેક દિવસ પહેલા તેના મિત્ર નિલેશ વળવીની હત્યા વિશાલ ઉર્ફે કાચા નામના ઇસમે કરી હતી જેની ફરિયાદ અઠવાલાઇન્સ પોલીસ મથકમાં દાખલ થઈ હતી. તેના મિત્રની હત્યા થયા બાદ તેના ઉપર આશરે સાતેક દિવસ પહેલા અર્જુન નામના ઇસમે પણ હુમલો કર્યો હતો તેમજ તે વિસ્તારમાં તેની દુશ્મની અન્ય ઈસમો સાથે પણ ચાલતી આવતી હોય જેથી સંતાડી રાખેલા હથિયારો પોતાની સાથે લઈને ફરતો હતો.

આ ઉપરાંત આરોપીની વધુ પૂછપરછ દરમિયાન એક હથિયાર તેણે કોઝવે બ્રિજના ફલડ ગેટની જાળીમાં ફસાવીને સંતાડી રાખ્યા હોવાનું પોલીસને જણાવ્યું હતું તે બાબતે મનપાના માણસો સાથે રાખી હથિયાર શોધવા માટેની કાર્યવાહી હાલ પોલીસ દ્વારા ચાલુ છે. ઝડપાયેલો આરોપી રીઢો ગુનેગાર છે અગાઉ વર્ષ 2019માં ઉમરા પોલીસ દ્વારા પાસા હેઠળ અટકાયત કરવામાં આવી હતી આ ઉપરાંત તેની સામે અઠવા અને ઉમરા પોલીસ મઠકમાં અલગ અલગ કલમો હેઠળ 5 ગુના પણ અગાઉ નોંધાયેલા છે હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરત પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતએ જણાવ્યું હતું કે સુરત શહેર ક્રાઈમ બ્રાંચની ટીમે જીતુ ઉર્ફે જીતુ બિલ્લો આલજીભાઈ રાઠોડને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી બે રિવોલ્વર અને એક દેશી તમંચો અને 6 જીવતા કારતુસ કબજે કર્યા હતા. રિવોલ્વર લોડેડ હતી. આરોપી જીતનો મિત્ર નીલેશ વળવીની 15 દિવસ પહેલા અઠવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં છરી મારીને હત્યા કરવામાં આવી હતી જેમાં આરોપી વિશાલ ઉર્ફે કાચા છે જે પકડાઈ ગયો છે અને હાલમાં જેલમાં છે. મારનાર નીલેશ અને હથીયાર સાથે પકડાયેલો જીતું બંને સારા મિત્રો હતા. દરમ્યાન વિશાલ ઉર્ફે કાચાના જીજા પ્રકાશ માછીના ભત્રીજા અર્જુનએ આરોપી જીતુંનો હાથ તોડી નાંખ્યો હતો અને તેનો બદલો લેવા માટે અને આરોપી જીતુંનું એવું માનવું છે કે અર્જુનએ પ્રકાશના કહેવાથી મારો હાથ તોડ્યો હતો અને પ્રકાશના કહેવાથી મિત્ર નીલેશનું મર્ડર થયું એટલે પ્રકાશની ગોળી મારીને હત્યા કરવા માટે આ ફરતો હતો.

આરોપીની પૂછપરછમાં એવું પણ જાણવા મળ્યું છે કે એક પિસ્ટલ નદીમાં છે જેને પણ શોધવાની તજવીજ શરુ છે. આરોપીના કહેવા મુજબ નદીમાંથી તેને ૪ હથીયારો મળ્યા હતા અને એક સંતાડી દીધું હતું અને ૩ તેની પાસે હતા આરોપી જો પકડાયો ના હોત તો તે પ્રકાશ માછી અને અર્જુનની ગોળી મારીને હત્યા કરવાની પુરેપુરી શક્યતા હતી હાલ આરોપીના રિમાન્ડ લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવશે. આ હથીયારો ક્યાંથી અને કઈ રીતે આવ્યા તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

વધુમાં જણાવ્યું હતું કે હથીયારની ક્વોલીટી પણ ખુબ સારી છે. એક દેશી તમંચો છે જયારે રિવોલ્વર ખુબ સારી ક્વોલીટીની છે ઝડપાયેલા આરોપી જીતુંની સામે અગાઉ 6 ગુના દાખલ થયા છે જેમાં મોબાઈલ સ્નેચિગ, લૂંટ, ચોરી અને પાસા હેઠળ પણ ધરપકડ કરાઈ હતી.