Surat: બાળકીઓ મારફતે ચોરી કરાવતું દંપતી ઝબ્બે, પોલીસે ઈન્સ્ટાગ્રામ ID થકી મહારાષ્ટ્રની પારધી ગેંગનું પગેરું મેળવ્યું

દંપતી રેલવે અને બસ સ્ટેશન જેવી ભીડભાડ વાળી જગ્યાએ ફુગ્ગા અને રમકડા વેચતુ, જ્યારે બાળકીઓ લોકો પાસે પૈસા માંગતી. આ દરમિયાન ભીડનો લાભ લઈ મુસાફરોના સામાન પર હાથફેરો કરતા

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Wed 31 Dec 2025 06:28 PM (IST)Updated: Wed 31 Dec 2025 06:28 PM (IST)
surat-news-couple-carrying-out-theft-through-girls-police-tracked-down-pardhi-gang-of-maharashtra-using-instagram-id-665633
HIGHLIGHTS
  • પોલીસ પૂછપરછમાં 4 ગુનાની કબૂલાત, રૂ. 15.30 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો
  • ચોરીનો મુદ્દામાલ અમરાવતીમાં ઓળખીતા વેપારીને વેચી માર્યો, જેની પાસેથી લગડી કબજે લેવાઈ

Surat: સુરત રેલ્વે સ્ટેશન ખાતેથી સોનાના દાગીનાની બાળકો મારફતે ચોરી કરાવતી આંતર રાજ્ય પારધી ગેંગને પશ્ચિમ રેલવે લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) અને સુરત રેલવે પોલીસ (GRP)એ ઝડપી પાડી છે. પ્રથમવાર ઇન્સ્ટાગ્રામ આઈડી દ્વારા પોલીસે આરોપીઓને પકડ્યા છે અને 15.30 લાખની ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, ગત 16 નવેમ્બર 2025ના રોજ નેમીચંદ દેરામચંદ જૈન તથા તેમના પત્ની ઉમરાવદેવી તેમના પુત્ર સુરત રહેતા હોય તેઓને મળવા માટે રાજસ્થાનના સમદડી રેલ્વે સ્ટેશનથી ટ્રેનમાં બેસીને સુરત આવ્યા હતા. તેઓ મોટી ઉમરના હોય રેલ્વે સ્ટેશનની બહાર નીકળવા માટે લિફ્ટમાં ચડ્યા હતા.

આ દરમ્યાન તેઓના લેડીઝ પર્સમાં રાખેલા સોનાના દાગીના જેમાં સોનાનું મંગળસૂત્ર, સોનાની ચેઈન, બંગડીઓ, અંગૂઠી,નથણી વિગેરે સાથેનું નાનું પર્સ જેમાં કુલ 15,60,700 રૂપિયાની કિંમતના દાગીનાની ચોરી થઇ હતી. આ મામલે તેઓએ સુરત રેલ્વે પોલીસ સ્ટેશનમાં ચોરી અંગે ફરિયાદ આપી હતી. આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી

આ મામલે પોલીસે અલગ અલગ ટીમો બનાવીને સુરત રેલ્વે સ્ટેશન તેમજ સુરત શહેરના સીસીટીવી ફૂટેજ ચેક કરતા ફરીયાદી તેમના પત્ની સાથે લીફ્ટમાં ચઢ્યા તે વખતે તેમની બાજુમાં બે સીગર વયની બાળકીઓ તેમના પત્નીના લેડીઝ પર્સમાંથી દાગીના ભરેલા નાના પર્સની ચોરી કરીને લઇ જતી જોવા મળી હતી. આથી આ અંગે વધુ ફૂટેજો ચેક કરતા આ બાળકીઓ સાથે તેમના માતા-પિતા લાગતા એક સ્ત્રી તેમજ પુરુષ જોવામાં આવ્યા હતા અને શકદારો તેમની પુત્રીઓને ચોરી કરી મેળવેલો મુદામાલ સાથે તાત્કાલિક સુરત રેલ્વે સ્ટેશનથી જતા રહ્યાનું જણાય આવ્યું હતું

સુરત એલસીબી પોલીસની ટીમ દ્વારા સતત આ શકદારોની તપાસ કરતા તેઓ સુરતના પાંડેસરા કૈલાશ નગર ચોકડી પાસે મેદાનમાં ઝૂંપડું બાંધી થોડા દિવસોથી રહેતા હોવાનું અને તે જ દિવસે ઝૂંપડું છોડી ત્યાંથી જતા રહ્યા હોવાનું જણાય આવ્યું હતું. આથી પોલીસે આ શકદારો બાબતે વધુ તપાસ કરતા આ રીતે સગીર બાળકોથી ચોરી કરાવવાની મોડેસ ઓપરેન્ડી મહારાષ્ટ્ર રાજ્યના પારધી ગેંગની હોવાનું અને તેઓના તથા આજુબાજુના ખાલી ઝૂંપડાઓમાંથી મળી આવેલા કાર્ડ તેમજ બીલો ઉપરથી તેમજ આજુબાજુના રહીશોની પૂછપરછ પરથી તેઓ મહારાષ્ટ્ર રાજ્યના બુલઢાણા જિલ્લાના રહેવાસી હોવાની માહિતી મળી હતી

જેથી સુરત રેલ્વે એલસીબીની ટીમ દ્વારા મહારાષ્ટ્ર રાજ્યના બુલઢાણા જિલ્લાના એલસીબી તેમજ અલગ અલગ પોલીસ સ્ટેશન જેમાં ચીખલી, ઉદયગઢ તેમજ અમડાપુર વગેરે ખાતે તપાસ કરવામાં આવી હતી, પરંતુ આ શકદારોનું ચોક્કસ લોકેશન મળી આવ્યું નહતું.

જો કે આ શકદારો અંગે થોડી ઉપયોગી માહિતી જેમાં તેનું નામ તેમજ તેના આવા જવાના સ્થળો અંગેની માહિતી મળી હતી અને એક શકદારનું ઇન્સ્ટાગ્રામ આઈડી મળી આવ્યું હતું. જે આધારે એલસીબીની ટીમે ઇન્સ્ટાગ્રામ આઈડી આધારે તેના આઈપી એડ્રેસ મેળવ્યા હતા અને તે આધારે તેના દ્વારા નવો લેવામાં આવેલો મોબાઈલ નંબર શોધી કાઢવામાં આવ્યો હતો

જે બાદ તપાસ કરતા તેઓ હાલ મહારાષ્ટ્ર રાજ્યના અમરાવતી ખાતે હોવાનું અને ત્યાંથી મોડી રાતે સુરત રેલ્વે સ્ટેશન ખાતે આવ્યા હોવાનું જણાય આવ્યું હતું. આથી પોલીસે શકદાર સ્ત્રી અને પુરુષ તેમજ સીસીટીવી ફૂટેજમાં દાગીનાની ચોરી કરતી બંને બાળકીઓ સહીત કુલ 4 બાળકીઓ સાથે સુરત રેલ્વે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 1 નજીક પાર્કિંગ પાસેથી વહેલી સવારે ઝડપી પાડ્યા હતા

પોલીસે દંપતીની પૂછપરછ કરતા તેમની ઓળખ સુમીત્ર શત્રુધ્ન કાલે [ઉ.૩૦] અને તેની પત્નીનું નામ ટીના ઉર્ફે અંજુ [ઉ.૩૦] તરીકે થઇ હતી. અને તેઓ પોતાની સગીર વયની બાળકીઓ દ્વારા ચોરીઓ કરાવતા હોવાની કબુલાત કરી હતી.

પોલીસે તેઓની પૂછપરછ કરતા તેમણે જણાવ્યું હતું કે દિવસે પોતે પતિ-પત્ની રેલ્વે સ્ટેશન તેમજ બસ સ્ટેશન જેવી ભીડ ભાડ વાળી જગ્યાએ ફુગ્ગા અને રમકડા વેચવાની પ્રવૃતિ કરે છે અને આ દરમ્યાન તેમની સગીર વયની બાળકીઓ પાસે લોકો પાસે પૈસા મંગાવવાનું કામ કરાવી અને લોકોની ગિરદીનો લાભ લઇ અને મોકો મળે તેમના સર સમાન જેમાં પણ ખાસ કરીને નાના પર્સ જેમાં સોનાના દાગીના કે રોકડ રકમ હોય તેની ચોરીઓ કરાવે છે જે મોટા ભાગે પોતાની સગીર વયની ૯ અને ૭.૫ વર્ષની બાળકીઓ છે તેમની પાસે કરાવે છે કારણ કે આવી નાની બાળકીઓ ઉપર કોઈ શંકા ન કરે તેમજ જો ચોરી કરતા પકડાઈ જાય તો પણ પબ્લિક કે પોલીસ તેને છોડી મુકે જેથી આવી પોતાની બાળકીઓને આવી ચોરી કરવા ટ્રેન કરી તેઓ મારફતે ચોરીઓ કરાવતા હતા

પોલીસની વધુ પૂછપરછમાં તેઓ દ્વારા આ ઉપરાંત પણ ગત 5-11-2025 ના રોજ સુરત રેલ્વે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 2 ખાતે લિફ્ટમાં ચડતી વખતે 50 હજાર રોકડા ભરેલા પર્સની ચોરી કરી હોવાનું અને તે અંગે સુરત રેલ્વે પોલીસ મથકમાં ગુનો નોંધાયો હોવાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત તેના પંદરેક દિવસ પહેલા પણ બાળકીઓ મારફતે સોનાની બુટ્ટી તેમજ પેન્ડલ સહિતના પર્સની ચોરી કરી હોવાનું તેમજ ભોપાલ રેલ્વે સ્ટેશન ખાતે પણ રોકડ રકમ ભરેલા પર્સ ની ચોરી કરી હોવાની કબુલાત આપી હતી. આમ તેઓ દ્વારા સુરત રેલ્વે સ્ટેશન ખાતે 3 અને ભોપાલ રેલ્વે સ્ટેશન ખાતે 1 એમ કુલ 4 ચોરીઓ કરી હોવાની કબુલાત કરી હતી

આરોપીઓએ ચોરી કરી મેળવેલો મુદામાલના સોનાના દાગીના અમરાવતી ખાતે પોતાના ઓળખીતા વેપારીને વેચી નાખ્યો હોવાની કબુલાત આપતા પોલીસની ટીમ મહારાષ્ટ્ર અમરાવતી ખાતે ગઈ હતી. જ્યાં સોનાના દાગીના ખરીદનાર પવન મહેશજી ભીંડાને ચોરીનો માલ રાખવાના ગુના સબબ પકડીને તેની પાસેથી આ સોનાના દાગીના ગાળી બનાવેલી 15.30 લાખની 109.800 ગ્રામ સોનાની લગડી કબજે કરી હતી

પોલીસે આ દંપતીને કોર્ટમાં રજુ કરીને 6 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવ્યા છે અને તેઓ દ્વારા બીજા ક્યાં ક્યાં ગુના આચરેલા છે તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.