Surat : લિફ્ટમાં બે બાળક સહિત 11 લોકો ફસાયા, ફાયર બ્રિગેડે તમામને હેમખેમ ઉગાર્યા

સુરતના સીટી લાઈટ વિસ્તારમાં આવેલી આશીર્વાદ કોમ્પ્લેક્સમાં બિલ્ડિંગની લિફ્ટમાં ટેકનિકલ ખામી સર્જાતા બે બાળક સહિત કુલ 11 વ્યક્તિઓ લિફ્ટમાં અધવચ્ચે ફસાઈ ગયા હતા.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Mon, 27 Apr 2026 01:04 PM (IST)Updated: Mon, 27 Apr 2026 01:19 PM (IST)
surat-news-citylight-ashirwad-complex-lift-rescue-11-people-saved

Surat News: સુરત શહેરના સીટી લાઈટ વિસ્તારમાં આવેલી આશીર્વાદ કોમ્પ્લેક્સમાં બિલ્ડિંગની લિફ્ટમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. જેમાં બે બાળક સહિત કુલ 11 વ્યક્તિઓ લિફ્ટમાં અધવચ્ચે ફસાઈ જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, ઘટનાની જાણ થતા જ વેસુ ફાયર સ્ટેશનનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને સમયસૂચકતા વાપરીને તમામ લોકોને સલામત રીતે બહાર કાઢ્યા હતા.

11 લોકો લિફ્ટમાં ફસાતા અફરાતફરી

પ્રાપ્ત વિગતો અનુસાર, સીટી લાઈટ રોડ આશીર્વાદ કોમ્પ્લેક્સમાં જ્યારે 11 લોકો લિફ્ટ દ્વારા જઈ રહ્યા હતા, ત્યારે અચાનક પાવર ફેલ્યોર અથવા કોઈ યાંત્રિક ખામીને કારણે લિફ્ટ બેઝમેન્ટ અને ગ્રાઉન્ડ ફ્લોરની વચ્ચે જ જામ થઈ ગઈ હતી. લિફ્ટ બંધ થઈ જવાથી અને હવાની અવરજવર ઓછી હોવાથી અંદર રહેલા લોકોમાં ગભરાટ ફેલાયો હતો, તેમજ ગૂંગળામણ જેવી સ્થિતિ સર્જાઈ હતી. અંદર ફસાયેલા લોકોએ મદદ માટે બૂમાબૂમ કરતા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને તુરંત જ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.

ફાયર બ્રિગેડે 15 મિનિટમાં તમામને બહાર કાઢ્યા

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી વેસુ ફાયર સ્ટેશનનાં સબ ફાયર ઓફિસર કિશોર પટેલ અને તેમની ટીમ આધુનિક સાધનો સાથે ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયરના જવાનોએ ભારે જહેમત બાદ લિફ્ટના દરવાજા ખોલ્યા હતા. માત્ર 15 મિનિટના ટૂંકા ગાળામાં બે બાળક સહિતના તમામ 11 સભ્યોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા.

લિફ્ટમાંથી બહાર નીકળતા રાહતનો શ્વાસ

લિફ્ટમાંથી હેમખેમ બહાર નીકળતા જ પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો અને ફાયર બ્રિગેડની કામગીરીની પ્રશંસા કરી આભાર વ્યક્ત કર્યો હતો. પ્રાથમિક તપાસમાં આ ઘટના લિફ્ટમાં ઓવરલોડ અથવા યોગ્ય મેન્ટેનન્સના અભાવે બની હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.