Surat: આજે 31 ડિસેમ્બર છે અને નવા વર્ષના સ્વાગત માટે યુવાધનમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વર્ષ 2025ને વિદાય આપી વર્ષ 2026નું સ્વાગત કરવા માટે શહેરમાં આવેલી કોલેજોમાં પ્રિ-ન્યૂ યર સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓમાં નવા વર્ષને આવકારવા માટે અનોખો ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો.
આજે 31 ડિસેમ્બર એટલે કે વર્ષ 2025નો અંતિમ દિવસ. વીતેલા વર્ષની યાદોને સંકોરીને આગામી વર્ષ 2026ના હર્ષોલ્લાસ સાથે વધામણા કરવા માટે સમગ્ર રાજ્યમાં ખાસ કરીને યુવાધનમાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે સુરત શહેરમાં પણ થર્ટી ફસ્ટની ઉજવણી કરવામાં આવી હતી. કોલેજોમાં વર્ષના આખરી દિવસે એટલે કે આજે ન્યુ યર સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું.
કોલેજ કેમ્પસોમાં ડી.જે.ના તાલે યુવાધન હિલોળે ચઢ્યું હતું. મનપસંદ ગીતોના તાલે યુવાનો ઝૂમી ઉઠ્યા હતા અને સમગ્ર વાતાવરણ આનંદમય બની ગયું હતું. મિત્રો સાથે નાચગાન કરી વિદ્યાર્થીઓએ જૂના વર્ષની યાદોને અલવિદા કહી નવી આશાઓ અને સપનાઓ સાથે નવા વર્ષનું સ્વાગત કર્યું હતું. આ ઉપરાંત માત્ર ડીજે પર જ નહી કોલેજોમાં ફેશન શો પણ યોજવામાં આવ્યો હતો જેમાં વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.
વર્ષ 2025ને વિદાય આપીને નવી આશાઓ અને નવા સંકલ્પો સાથે 2026માં પ્રવેશવા માટે યુવાનોમાં ભારે ઉમળકો છે. રાત્રે 12 વાગ્યાની આતુરતાથી રાહ જોવાઈ રહી છે, જ્યારે મિત્રો અને પરિવાર સાથે મળીને 'હેપ્પી ન્યૂ યર' ના નાદ સાથે નવા વર્ષનું હર્ષોલ્લાસ સાથે સ્વાગત કરવામાં આવશે.
