Surat: સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં આજે 89મું સફળ અંગદાન (Organ Donation) થયું હતું. સુરતના ઓલપાડ ખાતે રહેતા 47 વર્ષીય બ્રેઈનડેડ સમ્બારા કાલુ સ્વૈનના બ્રેઈનડેડ જાહેર થયા બાદ પરિવારજનો દ્વારા હૃદયસ્પર્શી નિર્ણય લઇને લીવર અને બે કિડનીનું દાન કરવામાં આવ્યું હતું. જેના થકી ત્રણ જરૂરતમંદોને નવજીવન મળશે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, મૂળ ઓડીસાના ગંજામ જિલ્લાના સોરીસામુલીના વતની સમ્બારા કાલુ સ્વૈન તા.27/12/2025ના રોજ સાંજે 9:40 વાગે ઓલપાડના માસમા ખાતેની કંપનીમાં કામ કરતા પગથીયા પરથી પડી ગયા હતાં. જે બાદ તત્કાલ 108 મારફતે સુરત સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જયાં તેઓની ગંભીર હાલત હોવાથી ઇમરજન્સીમાં દાખલ કરાયા હતા.
જે બાદ વધુ સારવાર માટે ICUમાં શિફ્ટ કરીને સારવાર શરૂ કરવામાં આવી. તા.30/12/2025ના રાત્રીએ ડો. આર.એમ.ઓ. ડો.કેતન નાયક, ડો.નિલેશ કાછડીયા, ન્યુરોલોજિસ્ટ ડૉ.જય પટેલ તથા ડૉ.કેયુર પ્રજાપતિની ટીમે તેમને બ્રેઈન ડેડ જાહેર કર્યા હતા. જેમાં પડી જવાને કારણે માથાના ભાગે ગંભીર ઈજા થવાને કારણે બ્રેઈનડેડ થયા હોવાનું નિદાન થયું હતું.
ડૉ.નિલેશ કાછડીયા, ડૉ. કેતન નાયક, ગુજરાત નર્સિંગ કાઉન્સીલ ઉપાધ્યક્ષ ઇકબાલ કડીવાલાએ સમ્બારાના પત્ની, દિકરા અને ભાઇ તેમજ પરીવારના સભ્યોને અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું.

આ નિર્ણય લેતી વખતે દર્દીના પત્ની સુર્યાકાંતી સ્વૈન તથા ભાઇઓએ કહ્યું કે, અંગદાનથી કોઇનું જીવન બચાવી શકાય અને કોઇને નવું જીવન મળે તેનાથી મોટું શું હોય શકે. આવી ભાવના સાથે ભારે હૈયે પરિવારજનોએ અંગદાનની સહમતી આપી હતી.
બ્રેઈનડેડ સ્વ.સમ્બારા સ્વૈનના લીવર અને બે કિડનીને અમદાવાદની આઈ.કે.ડી.હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો.ધારિત્રી પરમારના માર્ગદર્શન હેઠળ ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ, સુરક્ષા કર્મચારીઓ તથા સ્વયંસેવકોએ આ અંગદાન પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
નવી સિવિલ હોસ્પિટલના સતત માનવતાભર્યા પ્રયાસોથી 2025ના વર્ષ દરમિયાન 25 સફળ અંગદાન થઈ ચૂક્યાં છે, જે સુરતના માનવતાવાદી મૂલ્યો અને જાગૃત નાગરિકતાનો અનોખો ઉદાહરણ છે.
