Surat News: ગુજરાતમાં ગત 6 નવેમ્બરના રોજ ગુજરાત હાઈકોર્ટ અને મુખ્યમંત્રી કાર્યાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેલ મળ્યા બાદ હવે સુરતની બેંક ઓફ બરોડાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં પોલીસ સહિતની સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી ગઈ છે. પોલીસ અને બોમ્બ સ્કવોડ દ્વારા હાલ બેંકમાં તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, દિવાળીના તહેવારો દરમિયાન સુરતના પોશ ગણાતા ઘોડદોડ રોડ પર આવેલી બેંક ઓફ બરોડાની શાખાના સત્તાવાર ઈમેલ આઈડી પર ધમકીભર્યો મેઈલ આવ્યો હતો. બેંકને બોમ્બથી ઉડાવી દેવાની ભર્યો મેઈલ આવ્યો હતો, ધમકી મળતાં જ સુરક્ષા એજન્સીઓ સતર્ક બની હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સ્થાનિક પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક બેંક પર પહોંચી ગઈ હતી.
પોલીસ દ્વારા બેંકના સમગ્ર પરિસર સહિત આસપાસના વિસ્તારમાં સઘન તપાસ શરૂ કરવામાં આવી હતી. ડોગ સ્ક્વોડની મદદથી શંકાસ્પદ વસ્તુઓની તપાસ કરવામાં આવી રહી છે. તહેવારોના દિવસોમાં લોકોની અવરજવર ધરાવતા ઘોડદોડ રોડ જેવા વિસ્તારમાં આવેલી બેંકને ધમકી મળતાં બેંકના કર્મચારીઓમાં પણ ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો.
