સુરતની સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં ભોજનની ગુણવતા અને પાણી મુદ્દે વિરોધ, રજૂઆત છતાં નિરાકરણ ન આવ્યાનો ABVPનો આક્ષેપ

માત્ર એક કલાક જ પાણી મળતું હોવાનો અને ભોજનમાંથી જીવાત નીકળતી હોવાનો આક્ષેપ એબીવીપીએ કર્યો હતો. આજે સમરસ ગર્લ્સ હોસ્ટેલ ખાતે સુત્રોચાર કરીને વિરોધ કરવામાં આવ્યો હતો.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Fri, 02 Oct 2026 11:59 AM (IST)Updated: Fri, 02 Oct 2026 11:59 AM (IST)
surat-news-abvp-protests-food-quality-and-water-issues-at-samaras-girls-hostel

Surat News: સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી કેમ્પસમાં આવેલી સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં ભોજનની ગુણવતા અને પાણી મુદ્દે એબીવીપી અને વિદ્યાર્થીનીઓ દ્વારા ગતરોજ સાંજે વિરોધ નોંધાવ્યો હતો આ ઉપરાંત આજે સવારે પણ આ વિરોધ યથાવત છે. એબીવીપીએ આક્ષેપ કર્યો કે આ મામલે રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી.

સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી કેમ્પસમાં સમાજ કલ્યાણ વિભાગ સંચાલિત સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓ અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ગતરોજ સાંજે અને આજે પણ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ભોજનની ગુણવત્તા અને છેલ્લા કેટલાક સમયથી પૂરતા પ્રમાણમાં પાણી ન મળવા મુદ્દે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. માત્ર એક કલાક જ પાણી મળતું હોવાનો અને ભોજનમાંથી જીવાત નીકળતી હોવાનો આક્ષેપ એબીવીપીએ કર્યો હતો. આજે સમરસ ગર્લ્સ હોસ્ટેલ ખાતે સુત્રોચાર કરીને વિરોધ કરવામાં આવ્યો હતો.

એબીવીપીના સદસ્ય મેઘા વાઘેલાએ જણાવ્યું હતું કે, સુરત ખાતે આવેલી સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ગતરોજ સાંજે 7.30 વાગ્યેથી ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું હતું. એબીવીપીના કાર્યકરો તથા સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી બહેનો દ્વારા અહિયાં ગતરોજ સાંજના 7.30 વાગ્યાથી આંદોલન કરવામાં આવી રહ્યું છે, પરંતુ સમરસનું પ્રસાશન સાંભળતું નથી. 14 થી 15 કલાકથી વિરોધ કરવા છતાં વોર્ડન કે પદાધિકારીઓ દ્વારા એક્શન લેવામાં આવ્યા નથી.

વધુમાં જણાવ્યું હતું કે, બહેનો માટે અહિયાં પાણીની વ્યવસ્થા નથી, પાણીએ દૈનિક જરૂરિયાત છે, પરંતુ આ હોસ્ટેલમાં બહેનો માટે માત્ર કલાક જ પાણી આવે છે. સાથે સાથે અગત્યનો મુદ્દો એ પણ છે કે ભોજનમાંથી ઈયળ નીકળે છે. આ મામલે જયારે વોર્ડન મેડમ પાસે જઈએ છીએ ત્યારે વોર્ડન મેડમનું કહેવું એવું છે કે શાકમાંથી જયારે એક ઈયળ નીકળે તો શાક ખરાબ ન કહેવાય. કમ સે કમ 400 થી 500 ઈયળ નીકળે તો શાક ખરાબ કહેવાય. તો મારો એ પ્રશ્ન છે કે શું વોર્ડન મેડમ આ એક ઈયળ કે જીવાત વાળુ શાક ખાઈ શકે છે જો એ ખાય શકે તો આ બહેનો પણ ખાય શકે છે.

વધુમાં જણાવ્યું કે અમે ગતરોજ સાંજના 7.30 વાગ્યાના અહિયાં બેઠા છે, આખી રાત ગાદલા પાથરીને બહેનો પણ અહી બેઠી હતી અને આંદોલન કર્યું છે, પરંતુ સમરસના પ્રશાસન દ્વારા કોઈ એક્શન લેવામાં આવ્યું નથી. અમને સાંભળવામાં આવ્યા નથી. અમારી રજૂઆત સીધી કલેકટરને છે અમે કલેકટરને અહિયાં બોલાવવા માંગી રહ્યા છીએ. કલેકટર અહિયાં આવે અને અમારી જે રજૂઆત છે તે સાંભળે અને જે સમસ્યા છે તેનું સંપૂર્ણ પણે નિરાકરણ લાવીને આપે.