Surat: 'મત માટે ડબલ એન્જીન, કામ માટે અલગ-અલગ એન્જીન કેમ?'- બેનર સાથે AAPનો વિરોધ, સુરત શહેરની ગ્રાન્ટ સથવારે પૂરી કરવાની માંગ

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 23 Aug 2024 09:58 PM (IST)Updated: Fri, 23 Aug 2024 09:58 PM (IST)
surat-news-aap-protest-for-grant

Surat: સુરત શહેરમાં આજે ગ્રાન્ટને લઈને આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ વિરોધ નોંધાવ્યો હતો. જેમાં વર્ષો અગાઉ મંજુર થયેલી યોજનાઓની ગ્રાન્ટ હજુ સુધી મળી ના હોવાથી આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને સથવારે આ ગ્રાન્ટ પૂરી કરવામાં આવે તેવી માંગ કરી હતી.

ગ્રાન્ટ ના મળવાના કારણે પ્રોજેક્ટોનો ખર્ચો વધશે તેના માટે કોણ જવાબદાર રહેશે?, ડબલ એન્જીનની સરકારમાં એક એન્જીનને કેમ ખોરંભે ચડાવવું પડે છે? મત માટે ડબલ એન્જીન કામ માટે અલગ એન્જીન કેમ ? જેવા લખાણના બેનરો સાથે મનપા કચેરીમાં વિરોધ કરવામાં આવ્યો હતો.

આપ પાર્ટીના કોર્પોરેટર ધર્મેશભાઈ ભંડેરીએ જણાવ્યું કે, સુરત મહાનગર પાલિકામાં છેલ્લા 30 વર્ષ કરતા પણ વધારે સમયથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. ગુજરાતમાં છેલ્લા 29 વર્ષથી ભારતીય જનતા પાર્ટી સરકાર છે અને કેન્દ્રમાં છેલ્લા 10 વર્ષ કરતા પણ વધારે સમયથી ભારતીય જનતા પાર્ટી સરકાર છે. એક જ પાર્ટીની ત્રણેય ત્રણ જગ્યાએ સરકાર હોવા છતાં પણ સુરત શહેર આજે ગ્રાન્ટ માટે તરસે છે.

છેલ્લા 6 થી 8 વર્ષ પહેલા જે યોજનાઓ મંજૂર થઇ તેની ગ્રાન્ટ સુરત મહાનગર પાલિકાએ માંગેલી છે તે ગ્રાન્ટ હજુ પડતર અવસ્થામાં પડેલી છે. છેલ્લા બે -ત્રણ કે ચાર વર્ષ પહેલાની જેમાં સ્વર્ણિમ યોજના હોય, અમૃત 2.0 હોય કે કોઈ પણ યોજના હોય આ તમામે તમામ યોજનાઓની જે ગ્રાન્ટ છે તે સુરત મહાનગર પાલિકાને અલગ અલગ પ્રોજેક્ટો માટે મળવા પાત્ર છે એ ગ્રાન્ટો મળતી નથી.

આમ આદમી પાર્ટીએ માંગ કરી છે કે, સુરત શહેરની જે પડતર ગ્રાન્ટો છે તે સથવારે પૂરી કરવામાં આવે, રાજ્ય અને કેન્દ્ર સરકારને જીએસટી, કરવેરા અને અન્ય આવક મળી ૨૫ હજાર કરોડ કરતા વધારે રકમ સુરત શહેરમાંથી રાજ્ય અને કેન્દ્ર સરકારને જાય છે. અને એ સુરત શહેરને દર વર્ષે 3 હજારથી 3500 કરોડની ગ્રાન્ટની જરૂરિયાત હોય છે એ ગ્રાન્ટ પણ સમયસર આપવામાં આવતી નથી. આમ આદમી પાર્ટી ડબલ એન્જીનની સરકારની જે વાતો કરે છે એ ડબલ એન્જીનની સરકારના તમામ પદાધિકારીઓ, સાંસદોને મંત્રીશ્રીઓને નમ્રતા પૂર્વક નિવેદન કરે છે કે અહિયાં ગ્રાન્ટ પૂરી કરવામાં આવે,

વધુમાં જણાવ્યું હતું કે આ તો ઉલટાનું એકને એક સરકાર બનાવવાના કારણે સુરત શહેરને અન્યાય થયો, જ્યાં ભાજપની સરકાર નથી ત્યાં સરકાર બચાવવા માટે નરેન્દ્ર ભાઈ મોદીની સરકાર 17-17 હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટની મંજુરી, યોજના આપી દે છે,ગ્રાન્ટો આપી દે છે. સહાય આપી દે છે, આ સુરત કે જે વર્ષોથી ભારતીય જનતા પાર્ટીને ત્રણ ત્રણ દાયકાથી દરેક જગ્યાએ સરકાર આપતું આવ્યું છે એ સુરત આજે ગ્રાન્ટ માટે વલખા મારે છે. પદાધિકારીઓ નમલા છે કાયર છે, પોતાની સત્તા હોવા છતાં મુખ્યમંત્રી કે પ્રધાનમંત્રીને કે કોઈ પણ મંત્રીને રજૂઆત સુદ્ધા પણ કરી શકતા નથી અને આ આજે સુરત આ ગ્રાન્ટ માટે તરસી રહ્યું છે ત્યારે અમે નિવેદન કરીએ છીએ કે સુરત શહેરની ગ્રાન્ટ સથવારે પૂરી કરવામાં આવે.