Ram Navami Celebration: શ્રીરામ જન્મોત્સવના પવિત્ર અવસરે સુરતની બાઇકિંગ કમ્યૂનિટી (SBC) દ્વારા અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. 70 બાઇકર્સ દ્વારા દરિયાકાંઠાની રેતી પર પોતાની બાઇક્સ ગોઠવીને વિશાળ 'રામ' નામની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી હતી. ડ્રોન કેમેરા દ્વારા લેવામાં આવેલા ફૂટેજમાં રેતી પર કંડારાયેલું આ 'રામ' નામ અત્યંત મનમોહક લાગી રહ્યું છે.
બાઇક ગોઠવીને બાઈકર્સે 'રામ'નામ લખ્યું
સુરતના ઓલપાડ સ્થિત ડભારી બીચ પર સુરત બાઇકિંગ કમ્યૂનિટીના 70 થી વધુ સભ્યો એકત્રિત થયા હતા. આ બાઇકર્સ દ્વારા ખૂબ જ ચોકસાઈ પૂર્વક આયોજન કરીને માત્ર 40 મિનિટના ટૂંકા ગાળામાં રેતી પર પોતાની કિંમતી બાઇક્સ એવી રીતે ગોઠવી હતી કે, આકાશમાંથી જોતા તે સ્પષ્ટ રીતે 'રામ' વંચાય. સામાન્ય રીતે બાઇક રાઇડિંગ માટે જાણીતી આ કમ્યૂનિટીએ આ વખતે પોતાની ભક્તિ પ્રદર્શિત કરવા માટે આ રસ્તો પસંદ કર્યો હતો. ડ્રોન કેમેરા દ્વારા લેવામાં આવેલા ફૂટેજમાં આ દ્રશ્ય અત્યંત મનમોહક લાગી રહ્યું છે.
લોકોએ યુવાનોના વખાણ કર્યા
હાલમાં સોશિયલ મીડિયા પર આ બાઇકર્સની તસવીરો અને વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે, લોકો આ યુવાનોની કલ્પનાશક્તિના વખાણ કરી રહ્યા છે. રેતી પર વિશાળ અક્ષરોમાં 'રામ' લખવા માટે બાઈક્સનું અંતર અને તેની ગોઠવણી ખૂબ જ પડકારજનક હતી. જોકે, બાઈકર્સના સચોટ આયોજન અને પરસ્પર સમન્વયના કારણે આ આખી ડિઝાઇન માત્ર 40 મિનિટમાં જ તૈયાર કરી લેવામાં આવી હતી. બાઈક દ્વારા રેતી પર તૈયાર પ્રતિકૃતિ આ 'રામ' નામ અત્યંત મનમોહક લાગી રહ્યું છે
રામનવમીની અનોખી ઉજવણી
આ આયોજન અંગે વાત કરતા સુરત બાઈકિંગ કમ્યૂનિટીના પિનાંક મશરૂવાલાએ જણાવ્યું હતું કે, આજે રામનવમી છે, પૂરા વિશ્વમાં 120 કરોડ હિંદુ સનાતની રહે છે, આજનો આ મહાપર્વ ભગવાન શ્રીરામનો જન્મદિવસ દરેક સનાતની પોતાની અલગ અલગ રીતે રીતે ઉજવણી કરશે, ક્યાંક ભંડારનું આયોજન થશે, ક્યાંક શોભાયાત્રા નીકળશે તો ક્યાંક મહા આરતીનું આયોજન થશે.
વધુમાં તેમણે જણાવ્યું કે, અમે બાઈકર્સ છીએ તો અમે વિચાર્યું કે, અમે અમારી રીતે કંઇક કરીએ તો અમે ટીમ SBCના 90 બાઈક ડભારી બીચ પર જઈને 70 બાઈકથી બીચ પર શ્રીરામનું નામ લખ્યું છે. આ આમારો તરીકો હતો પ્રભુ રામ પ્રત્યે અમારો પ્રેમ દર્શાવવા માટે. હું ટીમ SBC તરફથી તમામને રામનવમીની ખુબ ખુબ શુભકામનાઓ પાઠવું છું.
