Operation Mule Hunt 2.0: ગુજરાત પોલીસની સાયબસ સેન્ટર ઑફ એક્સીલેન્સની ટીમે 'ઑપરેશન મ્યુલ હન્ટ 2.0' અંતર્ગત દેશભરમાં ફેલાયેલા સાયબર ક્રાઈમના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. જેમાં સુરતમાં ધમધમતા શંકાસ્પદ કોલ સેન્ટર અને ઑફિસો પર સાગમટે દરોડા પાડીને 7 જેટલા સાયબર ગઠિયાઓને ઝડપી પાડ્યા છે.
સુરત શહેરના મોટા વરાછા અને જહાંગીરપુરા વિસ્તારમાં દરોડા પાડીને પકડવામાં આવેલા સાયબર ઠગોની ઓળખ રાકેશ પોકલ, ગૌતમ સવાણી, જયદીપ ઉર્ફે જયેશ સવાણી, મયુર તેજાણી, અક્ષય કથીરિયા, મયુર સવાણી અને હેનિલ નરોલા તરીકે છે.
પ્રાથમિક તપાસમાં આ તમામ આરોપીઓએ શેલ કંપનીઓ બનાવીને તેના નામે અલગ-અલગ બેંકોમાં 18 ખાતા ખોલાવ્યા હતા. આ ખાતા થકી દેશના 21 રાજ્યોમાં 146 સાયબર ક્રાઈમની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. આ ખાતાઓમાં 116 કરોડથી વધુ રુપિયાના સાયબર ફ્રોડના નાણાંની હેરાફેરી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
આરોપીઓ પૈકી રાકેશ, મયુર અને હૈનિલે અલગ-અલગ નામે શેલ કંપનીઓનો બનાવીને બેંક ખાતા ખોલાવ્યા હતા. જેની જાણકારી અન્ય આરોપીઓને તેમજ સાયબર ગઠિયાઓની ગેંગને આપી હતી.
સાયબર ઠગાઈથી ભારતીય નાગરિકો પાસેથી લૂંટેલા રૂપિયામાંથી પોતાનું કમિશન કાઢીને બાકીની રકમ શેલ એકાઉન્ટમાંથી ઉપાડીને આંગડિયા મારફતે દુબઈ સ્થિત રેકેટના મુખ્ય સુત્રધારો સુધી પહોંચાડવામાં આવતા હતા. હાલ તો આરોપીઓ પાસેથી 13 મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે.
'સમન્વય પોર્ટલ' પર ખાતાઓની તપાસ કરતાં સામે આવ્યું કે, આ બેંક ખાતાઓ પર 116 કરોડથી વધુ રુપિયાના સાયબર ફ્રોડની દેશભરમાં 146 જેટલી ફરિયાદો મળી ચૂકી છે, જે પૈકી ગુજરાતમાં જ 14 કેસ સામે આવ્યા છે. એવામાં આરોપીઓની સઘન પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે.
