Surat News:સુરત જિલ્લામાં હાઈવે પર વાહન ચાલકોની સુરક્ષા તેમજ ટ્રાફિક વ્યવસ્થા સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ સાથે સુરત જિલ્લા કલેકટર તેજસ પરમારના અધ્યક્ષસ્થાને સુરત જિલ્લા માર્ગ સલામતી સમિતિની ૪૯મી બેઠક યોજાઈ હતી. બેઠકમાં સુરત જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા, RTO અને AERTOના અધિકારી/કર્મચારીઓ, માર્ગ અને મકાન, પોલીસ, નેશનલ હાઈવે, માહિતી તેમજ આરોગ્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં યોજાયેલી બેઠકમાં કલેકટરએ નેશનલ હાઈવે-૫૩ ઉપર દબાણ હટાવવાની કામગીરી અંગે સમીક્ષા કરી હતી. સાથે જ તેમણે માર્ગ અને મકાન વિભાગ હેઠળના જિલ્લાનાં મુખ્ય અને આંતરિક રસ્તાઓની માર્જિન જગ્યામાં મુકાયેલા અનધિકૃત હોર્ડિંગ્સ અંગે જાણકારી મેળવી હતી. સંબંધિત અધિકારીઓને અકસ્માતની શક્યતા વધારતા તેમજ ટ્રાફિકની સમસ્યા ઉભા કરતા આવા હોર્ડિંગ્સ ઓળખી યોગ્ય કાર્યવાહી કરવા સુચના આપી હતી.
કલેક્ટરએ મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ વે પર બેદરકારીપૂર્વક પાર્ક કરાયેલા વાહનોને લીધે થતાં ફેટલ અકસ્માતો નિવારવા સૂચનો મેળવી પોલીસ અને નેશનલ હાઈવે ઓથોરીટી વિભાગના અધિકારીઓ સાથે મળી યોગ્ય પગલાં લેવા ચર્ચા કરી હતી. તેમણે બારડોલી RTO કચેરી દ્વારા જિલ્લામાં ગત માસે થયેલા ફેટલ અકસ્માતોનું વિવરણ તેમજ ગત વર્ષની સ્થિતિ સાથેના તુલનાત્મક અભ્યાસ અંગેના અહેવાલની સમીક્ષા કરી હતી. જેમાં પલસાણા, કામરેજ, માંડવી અને ઓલપાડ સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં અકસ્માતોની પેટર્નને આધારે જરૂરી પગલા લેવા ચર્ચા કરી હતી.
વધુમાં તેમણે ગત મિટિંગમાં આપેલી સૂચનાને આધારે વિભાગો દ્વારા મોડીફાઇડ એક્શન પ્લાનની પૂર્ણતા અંગેની જાણકારી મેળવી જે વિભાગોની કામગીરી બાકી છે તે વિભાગોને તાકીદે એક્શન પ્લાન બનાવવા ટકોર કરી હતી.
