Surat News:પ્રેમી દ્વારા છેતરાઈને અસહાય બનેલી બિહારની યુવતી માટે આધાર બની 181 અભયમ ટીમ

Surat News:મૂળ બિહારની અને સુરતમાં લગ્નના વચને રહેતી યુવતીને પ્રેમી દ્વારા છેતરવામાં આવતાં તે અસહાય સ્થિતિમાં મુકાઈ ગઈ હતી.પરિવારના વિરોધ અને પ્રેમી દ્વારા રૂમ ખાલી કરી દેવાના કારણે રઝળી પડેલી યુવતીની વ્હારે આવી 181 અભયમ ટીમના કાઉન્સેલરે શાંતિપૂર્ણ અને વિશ્વાસપૂર્ણ વાતચીત અને ત્વરિત સંકલન કરી તેને સુરક્ષિત આશ્રય અપાવ્યો હતો.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Mon, 17 Aug 2026 06:37 PM (IST)Updated: Mon, 17 Aug 2026 06:37 PM (IST)
surat-news-181-abhayam-team-becomes-a-support-for-a-bihar-girl-who-was-left-helpless-after-being-cheated-by-her-lover

Surat News:મૂળ બિહારની અને સુરતમાં લગ્નના વચને રહેતી યુવતીને પ્રેમી દ્વારા છેતરવામાં આવતાં તે અસહાય સ્થિતિમાં મુકાઈ ગઈ હતી.પરિવારના વિરોધ અને પ્રેમી દ્વારા રૂમ ખાલી કરી દેવાના કારણે રઝળી પડેલી યુવતીની વ્હારે આવી 181 અભયમ ટીમના કાઉન્સેલરે શાંતિપૂર્ણ અને વિશ્વાસપૂર્ણ વાતચીત અને ત્વરિત સંકલન કરી તેને સુરક્ષિત આશ્રય અપાવ્યો હતો.

ઘટનાની વિગતો મુજબ, ઈચ્છાપોર વિસ્તારના કૃષ્ણાનગરમાં ૨૫ વર્ષીય યુવતી અસહાય અને એકલી બેઠી હોવાની જાણ એક જાગૃત નાગરિક દ્વારા 181 અભયમ મહિલા હેલ્પલાઈન પર કરવામાં આવી હતી. યુવતી પાસે પહોંચી અને વાતચીત કરતા કાઉન્સેલિંગ દરમિયાન યુવતીએ પોતાની આપવીતી વર્ણવતા જણાવ્યું હતું કે, તે મૂળ બિહારની વતની છે અને રાજસ્થાન પ્રવાસ દરમિયાન સુરતમાં હીરાની કંપનીમાં કામ કરતા એક યુવકના સંપર્કમાં આવી હતી. લગ્નના વચને સુરત આવી તે છેલ્લા છ મહિનાથી તે યુવક સાથે રહેતી હતી. થોડા દિવસો પહેલા યુવકે દાદીના અવસાનનું બહાનું કાઢી યુવતીને ગામ મોકલી દીધી હતી, પરંતુ ગામ પહોંચ્યા બાદ યુવકનો મોબાઈલ સતત બંધ આવતા તે પરત સુરત આવી હતી. જ્યારે તે યુવકના રહેઠાણે પહોંચી ત્યારે મકાનમાલિકે જણાવ્યું હતું કે, યુવક રૂમ ખાલી કરીને જતો રહ્યો છે. અભયમ ટીમ દ્વારા યુવક, તેના ભાઈ અને મિત્રોનો સંપર્ક કરવાનો સઘન પ્રયાસ કરાયો હતો, પરંતુ સામેથી કોઈ જ પ્રતિસાદ મળ્યો નહોતો.

યુવતીએ વધુમાં જણાવ્યું હતું કે, આ પ્રેમ સંબંધની જાણ પરિવારજનોને થઈ જવાથી તે હાલ પોતાના પરિવાર પાસે પરત જવા ઈચ્છતી ન હતી. યુવતીની સ્થિતિ અને તેની સુરક્ષાને ધ્યાને લઈ 181 અભયમ કાઉન્સેલર દ્વારા તેને કાયદાકીય માર્ગદર્શન અને ભવિષ્ય માટેના ઉપલબ્ધ વિકલ્પો અંગે સરળ ભાષામાં સમજણ આપવામાં આવી હતી. સુરતમાં યુવતીના અન્ય કોઈ સગા-સંબંધીનો આધાર ન હોવાથી સખી વન સ્ટોપ સેન્ટર સાથે સંકલન કરી તમામ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ યુવતીને સખી વન સ્ટોપ સેન્ટરમાં સુરક્ષિત આશ્રય અપાયો હતો, જ્યાં તેને આગળની તમામ જરૂરી સહાય અને પરામર્શ મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે