Surat: સુરત મહાનગર પાલિકા દ્વારા 'ડાયમંડ સિટી'ને સ્લમ ફ્રી સિટી બનાવવા માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત આગામી દિવસોમાં શહેરના ભેસ્તાન વિસ્તારમાં 1568 EWS આવાસ બનાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે સુરત કોર્પોરેશને રૂ.203 કરોડનો અંદાજ રાખ્યો છે.
ગુજરાત સહિત દેશના અલગ-અલગ રાજ્યોમાંથી રોજગારી અર્થે સુરત આવતા લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ શહેરમાં ઓછા દરે મકાન મળી રહે, તે માટે SMC દ્વારા શહેરના ભેસ્તાન વિસ્તારમાં 1568 જેટલા EWS આવાસની સાથે-સાથે 12 જેટલી દુકાનો બનાવવામાં આવશે. જેના માટે આગામી દિવસોમાં ટેન્ડર પર બહાર પાડવામાં આવશે.
આ પણ વાંચો
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આર્થિક રીતે નબળા વર્ગના લોકોને ઓછા દરે આવાસ પુરા પાડવા માટે ભેસ્તાન વિસ્તારમાં ટીપી સ્કીમ 54માં ફાઈનલ પ્લોટ નંબર 71માં 1568 આવાસ અને 12 જેટલી દુકાનો બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC)એ રૂ. 203 કરોડના અંદાજિત ખર્ચ સાથેનું ટેન્ડર સ્લમ કમિટીમાં દરખાસ્ત માટે રજૂ કરવામાં આવ્યું હતુ. જેને મંજૂરી મળી ગઈ છે. આથી આગામી દિવસોમાં આવાસ માટે ટેન્ડર બહાર પાડવામાં આવશે. પાલિકા દ્વારા જે આવાસ નિર્માણ કરવામાં આવશે તેમાં બે રૂમ રસોડું, ટોયલેટ, બાથરૂમ, કિચન, બાલ્કની વોશ એરિયા ઉપરાંત સીસી રોડ હશે.
EWS આવાસ પ્રોજેક્ટની અન્ય વિગતો જોઈએ તો,
- TP 54 [ભેસ્તાન] FP 71
- પ્લોટનું ક્ષેત્રફળ - 23,699
- માળ - 14
- દુકાન-12
- બિલ્ડીંગનો ગ્રોસ ખર્ચ- 203 કરોડ
- આવાસની સંખ્યા -- 1568
- કાર્પેટ એરિયા-376 સ્કે.ફૂ
- બિલ્ટઅપ એરિયા - 444 સ્કે,ફૂ
ખાસ વાત એ છે કે, આ યોજના અંતર્ગત મળી રહેલા આવાસની કુલ કિંમત 12.96 લાખની આસપાસ રહેશે. જો કે સરકારી સહાયના કારણે લાભાર્થીઓને આ આવાસ માત્ર 7 લાખમાં જ ફાળવવામાં આવશે.
