સુરતમા દિવાળી પર્વમાં સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની નહીં પડે મુશ્કેલી, 24 કલાક તબીબો અને નર્સિંગ સ્ટાફ તૈનાત રહેશે

દિવાળીના પર્વ દરમિયાન પણ સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સારવાર માટે 24 કલાક તબીબો અને નર્સિંગ સ્ટાફ તૈનાત રહેશે. તહેવાર દરમિયાન સારવારમાં કોઈ અડચણ ન આવે તે માટે હોસ્પિટલ તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Thu, 05 Nov 2026 03:02 PM (IST)Updated: Thu, 05 Nov 2026 03:02 PM (IST)
surat-new-civil-hospital-deploys-doctors-and-nursing-staff-24-hours-during-diwali

Surat News: એક તરફ સમગ્ર શહેર દિવાળીના પર્વની ઉજવણીમાં વ્યસ્ત હશે, ત્યારે બીજી તરફ સુરતની નવી સિવિલ હોસ્પિટલના તબીબો અને નર્સિંગ સ્ટાફ દર્દીઓની સેવા માટે પોતાની ફરજ નિભાવતા જોવા મળશે. દિવાળીના તહેવાર દરમિયાન પણ હોસ્પિટલમાં સારવારની કામગીરી સતત ચાલુ રહે અને કોઈ દર્દીને મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે હોસ્પિટલ તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

સિવિલ હોસ્પિટલમાં એલર્ટ મોડમાં તૈયારી

આગામી સમયમાં દિવાળીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને નવી સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય સેવાઓને લઈને એલર્ટ મોડમાં તૈયારી કરવામાં આવી છે. હોસ્પિટલના 950થી વધુ નર્સિંગ સ્ટાફ, ડોકટરો, પેરા મેડીકલ સ્ટાફ અને સફાઈ કર્મચારીઓ સતત ફરજ બજાવશે. જેથી તહેવારના દિવસોમાં પણ દર્દીઓને સમયસર સારવાર મળી રહે.

તહેવાર દરમિયાન 950 જેટલો નર્સિંગ સ્ટાફ કાર્યરત રહેશે

આર.એમ.ઓ. ડો. લક્ષ્મણ તૈલીએ જણાવ્યું હતું કે દિવાળીના તહેવાર દરમિયાન 950 જેટલો નર્સિંગ સ્ટાફ કાર્યરત રહેશે આ ઉપરાંત ડોકટરો, નર્સિંગ અને અન્ય પેરા મેડીકલ સ્ટાફ આ ઉપરાંત સફાઈ કર્મચારીઓ સંપૂર્ણ સ્ટાફ રાઉન્ડ ધ કલોક 24 કલાક ઈમરજન્સી સેવાઓ ઉપલબ્ધ રહેશે. ભગવાન ન કરે કોઈને તકલીફ ન પડે પણ જો કોઈ દાજી જવાના, ઈજાના કે અન્ય કોઈ પણ તકલીફ પડે તો રાઉન્ડ ધ કલોક અહી ડોકટરો અને પેરા મેડીકલ અને નર્સિંગ સ્ટાફ ઉપલબ્ધ રહેશે. જેટલી પણ સંખ્યામાં અહિયાં દર્દીઓ આવશે તેને પહોચી વળવા સિવિલ હોસ્પિટલ સજ્જ છે એમાં કોઈ પણ તકલીફ નહી પડવા દઈએ.

દર્દીઓની સુવિધાઓ માટે સ્ટાફ ખડે પગે રહેશે

વધુમાં જણાવ્યું હતું કે ઈમરજન્સી સેવાઓ સુચારુ રૂપે ચાલે તેને ઉદ્દેશમાં રાખીને જ રજાઓ મંજુર કરવામાં આવશે, દર્દીઓની સુવિધાઓ માટે તહેવારને છોડીને તમામ સ્ટાફ ખડે પગે રહેશે અને દર્દીઓને જ પોતાનો પરિવાર સમજીને દિવાળીની ઉજવણી કરશે. જયારે જયારે તેમને વચ્ચે રજા મળશે ત્યારે પરિવાર સાથે પણ ઉજવણી કરી શકે છે. સિવિલ હોસ્પિટલમાં ૨૪ કલાક ઈમરજન્સી સેવાઓ ચાલુ જ રહેશે. તેમાં તમામ ઈમરજન્સી સેવાઓ આવી જાય છે.