Surat-Navsari Rain News: છેલ્લા કેટલાક દિવસોના વિરામ બાદ, આજે અષાઢી બીજના પાવન દિવસે દક્ષિણ ગુજરાતમાં ફરી એક વખત મેઘરાજાનું આગમન થયું છે. હવામાન વિભાગની આગાહી મુજબ સુરત અને નવસારી જિલ્લામાં આજે સવારથી જ સારો વરસાદી માહોલ જોવા મળ્યો છે, જેને પગલે સમગ્ર વાતાવરણમાં શાનદાર ઠંડક પ્રસરી ગઈ છે.
કામરેજમાં ધોધમાર વરસાદથી હાલાકી
આ પણ વાંચો
સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં સૌથી વધુ 1.81 ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે. આ ભારે વરસાદને કારણે નેશનલ હાઈવે-48 પર આવેલા સર્વિસ રોડ પર પાણી ભરાઈ ગયા હતા. ખાસ કરીને અઝીમ હોસ્પિટલ નજીકના વિસ્તારમાં રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહનચાલકોને વાહન ચલાવવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

ખેતીલાયક વરસાદથી ખેડૂતોમાં આનંદ
થોડા દિવસો અગાઉ સુરત શહેર અને જિલ્લામાં ભારે મેઘમહેર જોવા મળી હતી, પરંતુ ત્યારબાદ વરસાદે વિરામ લીધો હતો. આજે વહેલી સવારથી સુરત શહેરમાં ફરી છુટોછવાયો વરસાદ શરૂ થયો હતો. સુરત જિલ્લાના માંગરોળ, ઉમરપાડા, કામરેજ, ઓલપાડ અને બારડોલી સહિતના તાલુકામાં પણ સારો વરસાદ નોંધાયો છે. સમયસર થયેલા આ વરસાદથી ખેડૂતો અને કૃષિ પાકને મોટો ફાયદો થવાની આશા સેવાઈ રહી છે.
નવસારીમાં વાદળો વચ્ચે વરસાદી ઝાપટા
બીજી તરફ, નવસારી જિલ્લામાં પણ મેઘરાજાએ ધમાકેદાર રી-એન્ટ્રી કરી છે. નવસારીમાં વહેલી સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા અને શહેરમાં બે જોરદાર વરસાદી ઝાપટા પડ્યા હતા. બે ઝાપટા બાદ મેઘરાજાએ ફરી વિરામ લીધો હતો, છતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. નવસારી શહેર ઉપરાંત જિલ્લાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધીમી ધારે વરસાદ નોંધાયો હોવાના અહેવાલ છે.
